મુંબઈઃ મુંબઈમાં ટાઈગર શ્રોફ પર જીવલેણ હુમલો થયો તેના કારણે બોલીવુડમાં ફફડાટ છે ત્યાં હવે સલમાન ખાનને પણ ફરી મોતની ધમકી મળી છે. ટાઈગર શ્રોફ પર હુમલાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે, બિશ્નોઈ ગેંગ વતી જવાબદારી લેનારા અનિલ પંડિતે સલમાન ખાનને ધમકી આપી છે. અનિલ પંડિતે ઓડિયો ક્લિપ દ્વારા સલમાન ખાનને ધમકી આપી છે. અનિલ પંડિતે સલમાન ખાનની લૉરેન્સ બિશ્નોઈની માફી માંગવા કહીને ધમકી આપી છે કે, સલમાન ખાન લૉરેન્સ બિશ્નોઈની માફી નહીં માગે તો ગમે તેટલી સુરક્ષા અને પોલીસ પણ તેને નહીં બચાવી શકે.
એક ટોચના અખબારના અહેવાલ અનુસાર, અનિલ પંડિત ઓ઼ડિયો ક્લિપમાં સલમાન ખાનને ધમકી આપતા એમ કહેતો સંભળાય છે કે, 'સલમાન ખાન, મારી વાત ધ્યાનથી સાંભળી લે. જો તમે મારા મોટા ભાઈ લૉરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ સમાજની માફી નહીં માગો તોતમારા ઘરમાં કોઈને જીવતા નહીં છોડીએ. તમારા પૂરા પરિવારને અને તબાહ કરી નાખીશું, ભારે સુરક્ષામાં હોવાથી બચી જશો એવા ભ્રમમાં ના રહેતા.' ટાઈગર શ્રોફ પર હુમલાની તપાસ ચાલી રહી છે ત્યારે જ અનિલ પંડિતનો આ કથિત ઓડિયો પોલીસને મળ્યો છે. રવિવારે ટાઈગર શ્રોફની કાર પર ત્રણ બાઇક સવારોએ હુમલો કરીને ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણેય હુમલાખોરો ઝડપાઈ ગયા છે.

મુંબઈના જુહુમાં 3 બાઇક સવારોએ ટાઈગર શ્રોફ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલાની જવાબદારી લેતાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગ વતી અનિલ પંડિતે જાવો કર્યો છે કે, સલમાન ખાન સાથેની નિકટતાના કારણે ટાઈગર શ્રોફ પર હુમલો થયો છે. સલમાન ખાનની નજીક રહેનાર કોઈ પણ નહીં બચી શકે. ટાઈગર શ્રોફ પર હુમલાની જવાબદારી લેનાર અનિલ પંડિતે સલમાન ખાનને ધમકી આપી પછી સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટની સુરક્ષાને વધુ કડક બનાવી દેવામાં આવી છે.
સલમાન ખાનના ઘરની બહાર અને આસપાસના વિસ્તારમાં મશીનગનો સાથે પોલીસ અને બુલેટપ્રૂફ જેકેટ પહેરેલા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સલમાન ખાન અને ટાઈગર શ્રોફ ઉપરાંત સલમાન ખાન સાથે નિકટતા ધરાવતા કલાકારોની વ્યક્તિગત સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરવામાં આવી રહી છે.