Sat Nov 07 2026

Logo

Russia Ukraine War: એક તરફ ટ્રમ્પનો શાંતિનો દાવો, બીજી તરફ કીવ પર રશિયાનો મિસાઇલ એટેક! 6 ઈજાગ્રસ્ત, અનેક મકાનો ધ્વસ્ત

2026-10-22 08:57:00
Author: Darshana Visaria
Russia Ukraine War: એક તરફ ટ્રમ્પનો શાંતિનો દાવો, બીજી તરફ કીવ પર રશિયાનો મિસાઇલ એટેક! 6 ઈજાગ્રસ્ત, અનેક મકાનો ધ્વસ્ત

રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને અટકાવવા માટે વૈશ્વિક સ્તરે રાજદ્વારી વાટાઘાટો તેજ બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ અને શાંતિ મંત્રણાના અત્યંત નજીક પહોંચ્યા હોવાના મોટા-મોટા દાવા કરી રહ્યા છે, ત્યારે જ બુધવારે મોડી રાત્રે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ (Kyiv) પર ભયાનક મિસાઇલ એટેક કર્યો છે.

આ હવાઈ હુમલામાં અનેક રહેણાંક મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા અને ઓછામાં ઓછા ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પુષ્ટિ કીવના મેયર વિતાલી ક્લિત્સ્કોએ કરી છે. આ હુમલાએ સ્પષ્ટ કરી દીધું છે કે ટેબલ પર ભલે શાંતિની વાતો થતી હોય, પરંતુ જમીન પર યુદ્ધની આગ હજુ પણ એટલી જ ભીષણ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પત્રકારો સમક્ષ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, તાજેતરમાં જ મારી વ્લાદિમીર પુતિન સાથે યુદ્ધ સમાપ્ત કરવા અંગે વાતચીત થઈ છે. મને લાગે છે કે યુદ્ધ સમાપ્તિની દિશામાં ખૂબ જ સકારાત્મક પ્રગતિ થઈ રહી છે. કદાચ હવે આપણે શાંતિ સ્થાપવાના પહેલા કરતાં પણ વધુ નજીક છીએ.

જોવાની વાત તો એ છે કે એક તરફ ટ્રમ્પ શાંતિ મંત્રણાના સંકેતો આપી રહ્યા છે, તો બીજી તરફ આ નિવેદનની ગણતરીની કલાકોમાં જ રશિયન સેનાએ કીવના નાગરિક વિસ્તારો પર મિસાઇલો ઝીંકીને શાંતિ પ્રયાસોને મોટો આંચકો આપ્યો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રના વિશેષ રાજદૂત સ્ટીવ વિટકોફે બુધવારે સેન્ટ પીટર્સબર્ગ ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સીધી અને મહત્વની મુલાકાત કરી હતી.

પુતિન સાથેની મુલાકાતના એક દિવસ પહેલાં જ સ્ટીવ વિટકોફે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે પણ કલાકો સુધી યુદ્ધવિરામની શરતો અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના વડાઓ સાથે મંત્રણા ચાલી રહી હોવા છતાં રશિયાએ કરેલા આ તાજા હુમલાને કૂટનીતિજ્ઞો યુક્રેન પર દબાણ લાવવાની મોસ્કોની વ્યુહરચના ગણાવી રહ્યા છે.

કીવના સ્થાનિક વહીવટીતંત્ર અનુસાર, મોડી રાત્રે થયેલા આ હુમલામાં મિસાઇલોના કાટમાળ રહેણાંક ઇમારતો પર પડતાં આગ ફાટી નીકળી હતી. રેસ્ક્યુ ટીમે કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢ્યા હતા, જેમાંથી છ જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ મામલે રાજદ્વારી નિષ્ણાતોનું એવું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસન ભલે યુદ્ધવિરામ માટે ઉત્સુક હોય, પરંતુ સીમાવિવાદ, નાટો સભ્યપદ અને કબજે કરેલા વિસ્તારો મુદ્દે બંને પક્ષો વચ્ચેનું અંતર એટલું મોટું છે કે કાયમી શાંતિ સ્થાપવી એક મોટો પડકાર બની રહેશે.