Thu Nov 19 2026

Logo

રશિયાના કામચાટકામાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, જાનમાલનું કોઇ નુક્સાન નહિ...

Kamchatka   2026-10-16 15:48:52
Author: Chandrakant Kanoja
રશિયાના કામચાટકામાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, જાનમાલનું કોઇ નુક્સાન નહિ...

કામચાટકા: રશિયાના કામચાટકા ક્ષેત્રમાં શુક્રવારે વહેલી સવારે  ભૂકંપના  આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9  નોંધાઈ હતી. જોકે, ભૂકંપના લીધે હાલમાં કોઇ જાનમાલનું નુકસાનના કોઇ અહેવાલ નથી. 

ભૂકંપનું કેન્દ્રબિંદુ 143.2 કિલોમીટરની ઊંડાઈએ હતું

આ અંગે યુએસ જિયોલોજિકલ સર્વેના અહેવાલ મુજબ શુક્રવારે સવારે 03.35 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) રશિયાના ઓઝર્નોવસ્કીથી 76 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 143.2 કિલોમીટરની ઊંડાઈએ હતું અને પ્રાથમિક અંદાજો મુજબ, તે 52.01 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 157.25  ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું.

ઝુમ્મરો અને લાઈટો હલવા લાગ્યા હતા

આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ પ્રાદેશિક વહીવટી કેન્દ્રના ઘણા રહેવાસીઓએ સાવચેતીના પગલા રૂપે પોતાના ઘર અને એપાર્ટમેન્ટ્સ છોડી દીધા હતા. તેમજ  રહેણાંક ઇમારતોની અંદર, ઝુમ્મરો અને લાઈટો હલવા લાગ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આંચકા લગભગ એક મિનિટ સુધી ચાલ્યા હતા.

કામચાટકા દ્વીપકલ્પ 'રિંગ ઓફ ફાયર' નામના ટેક્ટોનિક પટ્ટા પર આવેલો 

ઉલ્લેખનીય છે કે, રશિયાનું કામચાટકા દ્વીપકલ્પ 'રિંગ ઓફ ફાયર' નામના ટેક્ટોનિક પટ્ટા પર આવેલો છે. આ પટ્ટો પેસિફિક મહાસાગરના મોટા ભાગને ઘેરી લે છે અને ભૂકંપીય પ્રવૃત્તિઓ માટેનું એક મુખ્ય કેન્દ્ર ગણાય છે.