(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારમાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો તેમ જ સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો 27 પૈસાનો ઘટાડો ધોવાઈ ગયો હતો અને અંતે સાધારણ બે પૈસાના ઘટાડા સાથે 95.54ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે સતત પાંચમાં સત્રમાં ડૉલર સામે રૂપિયામાં પીછેહઠ જળવાઈ રહી હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે એકંદરે ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.52ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.70ની સપાટીએ ખૂલ્યા બાદ નીચામાં 95.79 સુધી ગબડ્યો હતો. જોકે, ત્યાર બાદ વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ ઘટી આવવાની સાથે સંભવિતપણે રિઝર્વ બૅન્કનો પણ બજારમાં હસ્તક્ષેપ રહેતાં ઉપરમાં 95.51 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના ઘટાડા સાથે 95.54ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે ક્રૂડતેલના ઊંચા ભાવ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધી આવતા આજે ડૉલર સામે રૂપિયામાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હતું અને સાપ્તાહિક ધોરણે 111 પૈસાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું .
કે વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ અને નબળા ચોમાસાને કારણે સ્થાનિક સ્તરે આર્થિક દૃષ્ટિએ લોકમાનસ ખરડાઈ જતાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ગબડતા રૂપિયાને ટેકો આપવા માટે લીધેલા પગલાંને હતોત્સાહિત કર્યા છે. અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયા માટે 95.80ની સપાટી પ્રતિકારક સપાટી અને 95.15ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થઈ શકે છ.
વૈશ્વિક બજારના વર્તમાન પરિબળો અને ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવામાં વધારો થવાની ચિંતા સપાટી પર આવી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળે તેમ જણાય છે અને ડૉલર સામે રૂપિયાની રેન્જ 95.45થી 95.90 આસપાસની રહી શકે છે, એમ મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કનો સંભવિત હસ્તક્ષેપ રૂપિયાને ટેકો આપી શકે છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.09 ટકા વધીને 99.13 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધ્યા મથાળેથી 3.28 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 104.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલા અનુક્રમે 120.83 પૉઈન્ટના અને 79.70 પૉઈન્ટના ઘટાડા ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 582 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતાં રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.