Fri Oct 16 2026

Logo

ક્રૂડતેલની તેજી સાથે રૂપિયો વધુ 44 પૈસા ગબડ્યો

2026-09-10 19:23:25
Author: Ramesh Gohil
ક્રૂડતેલની તેજી સાથે રૂપિયો વધુ 44 પૈસા ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
દેશની કુલ આયાતમાં બહોળો હિસ્સો ધરાવતા ક્રૂડતેલના ભાવ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં વધીને બેરલદીઠ 102 ડૉલરની સપાટી પર પહોંચતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ધોવાણ જળવાઈ રહેતાં વધુ 44 પૈસા ગબડીને 95.52ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર એક તરફ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો આંતરપ્રવાહ રહેતાં રૂપિયામાં અન્ડરટોન સકારાત્મક રહેવું જોઈએ, પરંતુ તાજેતરમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 102 ડૉલર સુધી પહોંચતા તેની રૂપિયા પર નકારાત્મક અસર પડી રહી છે. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.08ના બંધ સામે નરમાઈના વલણ સાથે 95.15ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.47 અને ઉપરમાં 95.15ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 44 પૈસા તૂટીને 95.52ની સપાટીએ બંધ રહ્યો હતો. 

એકંદરે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.01 ટકા ઘટીને 98.81 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવા છતાં ક્રૂડતેલના ભાવ મહિનાઓની ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાને કારણે જ રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું કોટક સિક્યોરિટીઝનાં કૉમૉડિટી અને કરન્સી રિસર્ચ વિભાગના હેડ અનિંદ્ય બેનરજીએ જણાવતા ઉમેર્યું હતું કે ગત જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં વિદેશી ફંડોની ખરીદી શરૂ થયાની સકારાત્મક અસર અને ક્રૂડતેલના વધતા ભાવની નકારાત્મક અસરનાં દબાણ વચ્ચે ભારતીય ચલણ સમતુલન જાળવી રહ્યું છે. નોંધનીય બાબત એ છે કે હાલ દેશની વિદેશી ચલણી અસ્ક્યામતો વધીને 740 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચી છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.28 ટકા વધીને બેરલદીઠ 102.51 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 138.36 પૉઈન્ટ અને 46.30 પૉઈન્ટ વધીને બંધ રહ્યા હતા. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 582 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે.