Sun Oct 18 2026

Logo

રોહિત શર્મા પર ટીવી શૉ બદલ બીસીસીઆઇ પ્રતિબંધ મૂકશે? જાણો, શું છે હકીકત

2026-09-12 16:29:00
Author: Ajay Motiwala
રોહિત શર્મા પર ટીવી શૉ બદલ બીસીસીઆઇ પ્રતિબંધ મૂકશે? જાણો, શું છે હકીકત

મુંબઈઃ `હિટમૅન' રોહિત શર્મા (ROHIT SHARMA) આજકાલ બૅટિંગની કમાલને કારણે કે 2027ના વન-ડે વર્લ્ડ કપની ટીમમાં જોવા મળશે કે ખુદ નિવૃત્તિ લઈ લેશે? એવા સવાલોને લીધે ચર્ચામાં નથી, પણ તેના ટીવી શૉ બદલ ક્રિકેટના અને મનોરંજન ક્ષેત્રના ચાહકોમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. એમાં પણ એક અફવા એવી ઉડી છે કે આ ટીવી શૉ બદલ બોર્ડ ઑફ ક્ન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) તેના પર પ્રતિબંધ મૂકશે.

સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં તો એવો દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઇએ રોહિત શર્મા વિરુદ્ધ તેના આગામી ટેલિવિઝન શૉ બદલ પગલાં ભરવાની શરૂઆત પણ કરી દીધી છે. પોસ્ટમાં દાવો કરાયો છે કે રોહિતે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં લખવામાં આવેલા નિયમોનો ભંગ કર્યો છે જેને લીધે તેના પર બીસીસીઆઇ આજીવન પ્રતિબંધ મૂકશે અને તે વન-ડે ઉપરાંત આઇપીએલમાં પણ નહીં રમી શકે.

જોકે હકીકત સાવ જુદી જ છે. આ બધા દાવામાં કોઈ તથ્ય નથી. ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્મા બાબતમાં આ મુદ્દે બીસીસીઆઇ તરફથી કોઈ સત્તાવાર નિવેદન પણ બહાર નથી પાડવામાં આવ્યું.

રોહિતનો કયો શૉ આવે છે?

જુલાઈ 2006માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં, જૂન 2007માં ભારત વતી વન-ડેમાં, સપ્ટેમ્બર 2007માં ટી-20માં, નવેમ્બર 2013માં ટેસ્ટમાં અને 2008માં આઇપીએલમાં ડેબ્યૂ કરનાર રોહિત શર્મા હવે ટેલિવિઝનમાં ડેબ્યૂ કરી રહ્યો છે. એક જાણીતી ટીવી ચૅનલ પર તેનો શૉ `ફૅમિલી ફુલ હાઉસ'માં તે મુખ્ય પાત્ર તરીકે (હૉસ્ટ તરીકે) જોવા મળશે તેમ જ એ શૉમાં બીજા કેટલાક ખેલાડીઓ અને અન્ય સેલિબ્રિટીઝ પણ જોવા મળશે.

બીસીસીઆઇના કૉન્ટ્રૅક્ટમાં શું છે?

અફવા એવી ઉડી છે કે રોહિતે બીસીસીઆઇ સાથેના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટનો ભંગ કર્યો છે. જોકે ઉપલબ્ધ અહેવાલો અનુસાર બીસીસીઆઇના કૉન્ટ્રૅક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે જે મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય કોઈ ક્રિકેટર કોઈ ટીવી શૉનું ઍન્કરિંગ ન કરી શકે. બીસીસીઆઇ તરફથી ક્રિકેટરને આવી કોઈ જ સીધી મનાઈ નથી કરવામાં આવતી. ખેલાડીઓને કમર્શિયલ (એન્ડોર્સમેન્ટ) તથા શેડ્યૂલની બાબતમાં કૉન્ટ્રૅક્ટના નિયમો પાળવા પડે છે, પણ ટીવી શૉમાં પર્ફોર્મ કરવા બદલ તેમણે કરારનો ભંગ કર્યો હોય એવું કંઈ જ નથી.