Mon Nov 16 2026

Logo

દાહોદના રતનમહાલમાં વાઘણ માટે રૂ. 5 કરોડના ખર્ચે બે વિશાળ એન્ક્લોઝર બનાવાશે...

2026-10-31 22:31:00
Author: Mayur Patel
દાહોદના રતનમહાલમાં વાઘણ માટે રૂ. 5 કરોડના ખર્ચે બે વિશાળ એન્ક્લોઝર બનાવાશે...

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ દાહોદના રતનમહાલના જંગલમાં દોઢ વર્ષ કરતાં વધુ સમયથી વાઘનો વસવાટ છે. વાઘ માટે વાઘણ લાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે, દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં વાઘણના આગમનમાં લગભગ ત્રણ મહિના જેટલો વિલંબ થવાની શક્યતા છે. વન વિભાગ દ્વારા વાઘણને રાખવા માટે જરૂરી એન્ક્લોઝર  બનાવવાનું કામ હજી શરૂ કરવાનું બાકી હોવાથી આ વિલંબ થશે. અંદાજે રૂ. 5 તરોડના ખર્ચે આકાર પામનારો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

ક્યાં બનાવવામાં આવશે એન્ક્લોઝર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પહેલનો મુખ્ય હેતુ દોઢ વર્ષથી રતનમહાલના જંગલોમાં એકલા ભ્રમણ કરી રહેલા નર વાઘ માટે યોગ્ય જોડીદાર શોધવાનો છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિર્દેશ હેઠળ નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટીએ પોતાના અહેવાલમાં રતનમહાલ જંગલ વિસ્તારના સાગટાળા ગામ નજીક 5 હેક્ટરના વિસ્તારમાં તારની વાડવાળા વાડા બનાવવાની ભલામણ કરી હતી. આ વિસ્તારમાં વાઘ સૌથી વધુ વખત જોવા મળ્યો છે. વન વિભાગ હાલ આ પ્રોજેક્ટની ડિઝાઇન અને ખર્ચના અંદાજો તૈયાર કરી રહ્યું છે, જ્યારે બાંધકામ હજી શરૂ થવાનું બાકી છે.

ક્યાંથી લાવવામાં આવશે વાઘણ ? 

કમિટીએ મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્રમાંથી બે યુવા વાઘણ લાવવાની સલાહ આપી છે. શરૂઆતના તબક્કે આ વાઘણોને અલગ-અલગ એન્ક્લોઝરમાં અથવા એક જ કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવશે, જ્યારે નર વાઘને તેની નજીકના વિસ્તારમાં રાખવામાં આવશે. વાઘ-વાઘણ એકબીજાની હાજરીથી પરિચિત થઈ જાય અને નજીકના વાતાવરણ સાથે અનુકૂળ થાય તે પછી જ તેમને એકસાથે છોડવામાં આવશે.

પ્રાણીઓની સલામતી સુનિશ્ચિત કરવા તેમજ વન વિભાગના કર્મચારીઓની અવરજવર સરળ બને તે માટે સૂચિત એન્ક્લોઝરમાં ડબલ-લેયર ફેન્સિંગ અને ડબલ-ડોર એન્ટ્રી સિસ્ટમ રાખવામાં આવશે. એન્જિનિયરિંગ જરૂરિયાતો અને પ્રાણી વ્યવસ્થાપન પ્રોટોકોલનું મૂલ્યાંકન કર્યા પછી જ આ ડિઝાઇન મંજૂર કરવાની સલાહ સમિતિએ આપી હતી.

ઉપરાંત, બંને વાઘણોને ગુજરાત લવાય તે પહેલાં સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા અને નિયમિત સમીક્ષા હાથ ધરવા માટે ગુજરાત અને મધ્યપ્રદેશના અધિકારીઓની એક સંયુક્ત મોનિટરિંગ ટીમ રચવાની પણ ભલામણ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, મધ્યપ્રદેશમાંથી સ્થળાંતર કરીને ગુજરાતમાં પ્રવેશેલો યુવાન નર વાઘ સતત રતનમહાલ જંગલ વિસ્તારમાં સક્રિય રહ્યો છે. ફેબ્રુઆરી 2025માં રાજ્યમાં તેની સતત હાજરી સૌપ્રથમ નોંધાઈ હતી. ત્યારથી વન વિભાગ કેમેરા ટ્રેપ અને ગ્રાઉન્ડ સર્વેલન્સ દ્વારા તેની પ્રત્યેક હિલચાલ પર સતત બાજ નજર રાખી રહ્યું છે.