ટેન્ટસિટી, રોડ ટુ હેવન અને ધોળાવીરામાં પ્રવાસીઓની સુવિધા-સુરક્ષા પર ભાર: સ્વચ્છતા અને કનેક્ટિવિટી અંગે તંત્ર એલર્ટ
ભુજ: કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણમાં આગામી 1લી નવેમ્બરથી યોજાનાારા 22મા ‘રણોત્સવ 2026-27’ને વધુ ભવ્ય, સુવ્યવસ્થિત અને પ્રવાસીઓ માટે સ્મરણીય બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ આયોજનના ભાગરૂપે ધોરડો ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં રણોત્સવ જિલ્લા કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં દેશ-વિદેશથી આવનારા સહેલાણીઓની યાત્રા સુરક્ષિત અને સુખદ બને તે હેતુથી પ્રવાસીઓની સુવિધા, સુરક્ષા, સ્વચ્છતા, પરિવહન, માળખાકીય સગવડો અને વિવિધ સરકારી વિભાગો વચ્ચેના પરસ્પર સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ટેન્ટસિટી તેમજ ગેટવે ટુ રણ રિસોર્ટમાં ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી કલેક્ટરે સફેદ રણ, ‘રોડ ટુ હેવન’ અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા માટે ખાસ અલગ ટીમોની રચના કરી જવાબદારીઓ સોંપવા પર ભાર મૂક્યો હતો.
સફેદ રણ અને રોડ ટુ હેવન તેમજ પુરાતન નગરી ધોળાવીરા જેવા આઇકોનિક સ્થળો પર પ્રવાસીઓની અવરજવર સરળ રહે અને ટ્રાફિક જામ ન થાય તે માટે સઘન પોલીસ પેટ્રોલિંગ અને ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થાઓ ગોઠવવા તાકીદ કરાઈ હતી. આ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત ગંદકી ન ફેલાય અને કચરાનો વૈજ્ઞાનિક નિકાલ થાય તે માટે કડક દેખરેખ રાખવા આદેશ અપાયો હતો તેમજ અનધિકૃત દબાણો સામે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું હતું.
આ ઉપરાંત ઇન્ટરનેટ કનેક્ટિવિટી, માર્ગોની મરામત, અવિરત વીજ પુરવઠો, શૌચાલય-સેનિટેશન, એડવેન્ચર સ્પોર્ટ્સમાં સુરક્ષાના ધોરણો, હેલ્પ ડેસ્ક તેમજ ઊંટગાડી જેવા સ્થાનિક પરિવહનના નિયત ભાડાં અને પ્રવાસીઓની ફરિયાદોના નિવારણ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. બેઠક બાદ કલેક્ટર અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિતના અધિકારીઓએ સફેદ રણ વ્યૂ પોઈન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ સ્ટેજ, ક્રાફ્ટ બજાર અને ગેમ ઝોનની સ્થળ મુલાકાત લઈ એસટી બસ સેવા સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ બેઠકમાં વન, આરોગ્ય, માર્ગ-મકાન, એસટી નિગમ અને સીમા સુરક્ષા દળ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્સવ વૈદ્ય