Tue Nov 10 2026

Logo

રણજી ટ્રોફીઃ ગિલ એક જ રનમાં અને પ્રિયાંશ આર્ય 199 રન પર આઉટઃ રિન્કુ સિંહની સેન્ચુરી

2026-10-18 21:55:55
Author: Ajay Motiwala
રણજી ટ્રોફીઃ ગિલ એક જ રનમાં અને પ્રિયાંશ આર્ય 199 રન પર આઉટઃ રિન્કુ સિંહની સેન્ચુરી

મુલ્લાંપુર/નવી દિલ્હીઃ રણજી ટ્રોફી (Ranji Trophy)ની નવી સીઝનના ચાર દિવસીય બીજી મૅચમાં રવિવારે પ્રથમ દાવમાં પંજાબની ટીમે છત્તીસગઢ સામે સ્ટાર બૅટ્સમૅન શુભમન ગિલ (એક રન)ની સાવ સસ્તામાં વિકેટ ગુમાવી હતી. ગિલ ન્યૂ ઝીલૅન્ડના કપરાં પ્રવાસ પહેલાં મૅચ-પ્રૅક્ટિસ તરીકે રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે, પરંતુ તેને પહેલા જ દિવસે ઝટકો લાગ્યો હતો.

કૅપ્ટન ઉદય સહરાનની કૅપ્ટન્સીમાં પંજાબની ટીમનો સ્કોર બે વિકેટે 65 રન હતો ત્યારે ગિલ (Gill) ચોથા નંબરે બૅટિંગમાં આવ્યો હતો પોતાના પાંચમા જ બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. તે ડાબોડી સ્પિનર અજય મંડલના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. જોકે પંજાબના સુકાની સહરાને અણનમ સદી (106 નૉટઆઉટ)થી ટીમની આબરૂ સાચવી લીધી હતી અને પ્રથમ દિવસની રમતને અંતે ચાર વિકેટે 269 રન હતો. આ સ્કોરમાં પ્રભસિમરન સિંહ (62 રન)નું પણ સારું યોગદાન હતું. છત્તીસગઢના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મંડલે બે-બે વિકેટ લીધી હતી.

દિલ્હીમાં આઇપીએલનો જાણીતો ઓપનર પ્રિયાંશ આર્ય (199 રન, 221 બૉલ, છ છગ્ગા, 24 ચોગ્ગા) પહેલી ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરી ફટકારવામાં સફળ થયો હતો, પણ ડબલ સેન્ચુરીની વિક્રમજનક સિદ્ધિ એક રન માટે ચૂકી ગયો હતો. દિલ્હીનો આ બૅટ્સમૅન ગુજરાતના ઑફ સ્પિનર મનન હિંગરાજિયાના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. દિલ્હીએ પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ચાર વિકેટે 381 રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન આયુષ બદોની (115 નૉટઆઉટ)નું પણ મોટું યોગદાન હતું. ગુજરાત વતી પેસ બોલર હર્ષલ પટેલે સૌથી વધુ બે વિકેટ મેળવી હતી.

અન્ય મુખ્ય મૅચોમાં શું બન્યું?

(1) કાનપુરમાં રિન્કુ સિંહે 3/33ના સ્કોર વખતે ક્રીઝમાં આવ્યા બાદ બે છગ્ગા અને અગિયાર ચોગ્ગાની મદદથી અણનમ 118 રન બનાવીને ઉત્તર પ્રદેશને ગોવા સામે મુસીબતમાંથી ઉગાર્યું હતું. ઉત્તર પ્રદેશને તેણે 202 રનનું ટોટલ અપાવ્યું હતું. ગોવાએ વિના વિકેટે 43 રન બનાવ્યા હતા.

(2) બિલાસપુરમાં હિમાચલ પ્રદેશે પ્રથમ દાવમાં 140 રન બનાવ્યા હતા. મુંબઈના તુષાર દેશપાંડેએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. પછીથી મુંબઈએ બે વિકેટે 107 રન બનાવ્યા હતા.

(3) બેંગ્લૂરુમાં સૌરાષ્ટ્ર સામે કર્ણાટકની ટીમે આઠ વિકેટે 281 રન બનાવ્યા હતા જેમાં મનવંત કુમારના 86 રન હાઇએસ્ટ હતા. સૌરાષ્ટ્ર વતી કુલ આઠ બોલરે આક્રમણ કર્યા હતા જેમાંથી કૅપ્ટન અને બર્થ-ડે બૉય જયદેવ ઉનડકટે ત્રણ, પાર્થ ભુતે ત્રણ અને ચેતન સાકરિયાએ બે વિકેટ લીધી હતી.

(4) વડોદરામાં બરોડાના પેસ બોલર રાજ લિંબાણીની ચાર તથા મહેશ પીઠિયા અને ભાર્ગવ ભટ્ટની બે-બે વિકેટને લીધે બિહારની ટીમ 166 રનમાં આઉટ થઈ ગયા પછી બરોડાએ ત્રણ વિકેટે 77 રન કર્યા હતા.