મુંબઈ: બોલિવૂડની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક ‘રામાયણ’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અભિનેતા રણબીર કપૂર અભિનીત આ ફિલ્મનું નવું ઇન્ટરનેશનલ ટ્રેલર 15 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મના ટ્રેલરમાં ભગવાન શ્રીરામ અને લંકાપતિ રાવણ વચ્ચેના મહાયુદ્ધની ઝલક જોવા મળે છે. ભવ્ય વિઝયુઅલ ઇફેક્ટ્સ, દમદાર એક્શન અને પૌરાણિક કથાના શાનદાર ચિત્રણને કારણે ટ્રેલર ચર્ચામાં આવ્યું છે. લગભગ 2 મિનિટ 36 સેકન્ડના આ ટ્રેલરમાં ભગવાન રામ અને રાવણ વચ્ચે થનારા યુદ્ધની ઝલક બતાવવામાં આવી છે.
અંધકારથી રાવણની દુષ્ટ શક્તિના ઉદયનો ઉલ્લેખ
ટ્રેલરની શરૂઆત દેવતાઓ અને મનુષ્યોના સમયની વાત સાથે થાય છે, જેમાં અંધકારમાંથી એક શક્તિશાળી દુષ્ટ શક્તિના ઉદયનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ અભિનેતા યશ રાવણના પ્રભાવશાળી રૂપમાં જોવા મળે છે. ટ્રેલરમાં તેનો આત્મવિશ્વાસ, શક્તિ અને મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટ રીતે જોવા મળે છે. રાવણનું આ રૂપ ફિલ્મમાં તેના પાત્રને વધુ ભવ્ય અને પ્રભાવશાળી બનાવે છે.
રણબીર કપૂર ભગવાન શ્રીરામના રૂપમાં
અભિનેતા રણબીર કપૂર ભગવાન શ્રીરામના પાત્રમાં જોવા મળે છે. ટ્રેલરમાં તેઓ ધનુષ્ય-બાણ સાથે રાક્ષસોનો સામનો કરતા નજરે પડે છે. ટ્રેલરમાં તેમનું પાત્ર ધૈર્ય, હિંમત અને ધર્મની રક્ષા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બનીને સામે આવે છે. બીજી તરફ, સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળે છે. બંને કલાકારો વચ્ચેની ભાવનાત્મક ક્ષણો પણ ટ્રેલરમાં દર્શાવવામાં આવી છે.
જટાયુ અને અન્ય રાક્ષસી સેનાની ઝલક
ટ્રેલરમાં જટાયુ અને રાવણ વચ્ચેના સંઘર્ષની ઝલક પણ જોવા મળે છે. આ ઉપરાંત રાક્ષસી વિશાળ મહેલો, રાક્ષસી સેનાના યુદ્ધના સીન જોવા મળે છે. આ સીન્સમાં VFX દ્વારા કહાનીની ભવ્યતા સ્ક્રીન પર ઉતારવાના પ્રયત્નો કરવામાં અવાય છે. ફિલ્મમાં અનેક જાણીતા કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. નિર્માતા નમિત મલ્હોત્રા અને યશ સાથે મળીને આ મહાકાવ્યને બે ભાગમાં રજૂ કરવાની યોજના ધરાવે છે.