Tue Nov 10 2026

Logo

રિલીઝ પહેલાં જ ‘રામાયણ’નો ધમાકો! એડવાન્સ બુકિંગમાં  કરોડોની કમાણી, ‘બોર્ડર 2’ને પણ પછાડી

2026-10-27 11:30:00
Author: Mumbai Samachar Team
રિલીઝ પહેલાં જ ‘રામાયણ’નો ધમાકો! એડવાન્સ બુકિંગમાં  કરોડોની કમાણી, ‘બોર્ડર 2’ને પણ પછાડી

મુંબઈ: રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’એ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલાં જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ફિલ્મની એડવાન્સ બુકિંગને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એક અહેવાલ અનુસાર, 27 ઑક્ટોબર, 2026ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં ફિલ્મે બ્લોક સીટ સહિત એડવાન્સ બુકિંગમાંથી રૂપિયા 13.11 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મે સની દેઓલની ‘બોર્ડર 2’ના ઓપનિંગ ડેના રૂપિયા 12.50 કરોડના એડવાન્સ બુકિંગ કલેક્શનને પાછળ છોડી દીધું છે.

એક આંકડા અનુસાર, ‘રામાયણ’ના પ્રથમ દિવસના શો માટે અત્યાર સુધીમાં કુલ 5,578 શોમાંથી 2.42 લાખ ટિકિટનું પ્રી-સેલ થયું છે. બ્લોક સીટની ગણતરી કર્યા વિના ફિલ્મની એડવાન્સ બુકિંગની કમાણી રૂપિયા 10.54 કરોડ નોંધાઈ છે. ફિલ્મની રિલીઝમાં હજુ નવ દિવસ બાકી હોવાથી આગામી દિવસોમાં ટિકિટના વેચાણમાં વધુ વધારો થવાની શક્યતા છે.

ફિલ્મના એડવાન્સ બુકિંગમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. રાજ્યમાં પ્રથમ દિવસના શો માટે રૂપિયા 2.78 કરોડનું કલેક્શન નોંધાયું છે, જે કુલ એડવાન્સ બુકિંગની આવકના આશરે 21 ટકા જેટલું છે. ત્યારબાદ દિલ્હી રૂપિયા 2.62 કરોડ સાથે બીજા અને કર્ણાટક રૂપિયા 2.15 કરોડ સાથે ત્રીજા સ્થાને છે. શહેરોના આંકડાઓ પર નજર કરીએ તો દિલ્હી-એનસીઆર રૂપિયા 2.62 કરોડ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે મુંબઈ રૂપિયા 1.92 કરોડ અને બેંગલુરુ રૂપિયા 1.75 કરોડના પ્રી-સેલ કલેક્શન સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

એડવાન્સ બુકિંગના આંકડાઓમાં હજુ વધુ વૃદ્ધિની શક્યતા હોવા છતાં તમામ શોમાં એકસરખો પ્રતિસાદ જોવા મળતો નથી. અહેવાલ મુજબ, પ્રથમ દિવસના કુલ 5,578 શોમાંથી એક શો સંપૂર્ણપણે બુક થઈ ગયો હતો, જ્યારે 41 શો લગભગ હાઉસફુલ થવાની સ્થિતિમાં હતા. બીજી તરફ, આશરે 92 ટકા શોમાં અડધાથી વધુ બેઠકો હજુ ખાલી હતી. આથી ફિલ્મને મળેલો પ્રારંભિક પ્રતિસાદ સારો હોવા છતાં આગામી દિવસોમાં બુકિંગની ગતિ પર સૌની નજર રહેશે.

વર્ષ 2026ની ફિલ્મોના ઓપનિંગ ડેના એડવાન્સ બુકિંગના રેકોર્ડમાં ‘રામાયણ’ હાલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ યાદીમાં ‘ધુરંધર 2’  રૂપિયા 53 કરોડના કલેક્શન સાથે પ્રથમ અને ‘દૃશ્યમ 3’ રૂપિયા 31.65 કરોડ સાથે બીજા સ્થાને છે. ‘રામાયણ’ રૂપિયા 13.11 કરોડ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ‘બોર્ડર 2’ રૂપિયા 12.05 કરોડ સાથે ચોથા સ્થાને છે. આ ઉપરાંત ‘મિર્ઝાપુર ધ મૂવી’ રૂપિયા 9.19 કરોડ, ‘આવારાપન 2’ રૂપિયા 8.57 કરોડ, ‘ધમાલ 4’ રૂપિયા 5.68 કરોડ, ‘કોકટેલ 2’ રૂપિયા 5.57 કરોડ, ‘ભૂત બંગલા’ રૂપિયા 3.32 કરોડ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ રૂપિયા 3.10 કરોડના એડવાન્સ બુકિંગ કલેક્શન સાથે યાદીમાં સામેલ છે.

નિર્દેશક નિતેશ તિવારીની આ ભવ્ય ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનજી અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત લારા દત્તા, અરુણ ગોવિલ અને રકુલ પ્રીત સિંહ સહિતના કલાકારો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રા અને યશ દ્વારા કરવામાં આવ્યું છે. ભારતીય મહાકાવ્ય રામાયણ પર આધારિત આ ફિલ્મને ભવ્ય સ્તરે તૈયાર કરવામાં આવી છે, જેના કારણે દર્શકોમાં અત્યારથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

‘રામાયણ’ વિશ્વભરના સિનેમાઘરોમાં 5 નવેમ્બર, 2026ના રોજ દિવાળીના અવસર પર રિલીઝ થવાની છે. રિલીઝ પહેલાં જ ‘બોર્ડર 2’ને પાછળ છોડીને ફિલ્મે એડવાન્સ બુકિંગમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.