Sat Nov 07 2026

Logo

‘બાંગ્લાદેશની જેમ દેશમાં સત્તાપરિવર્તન’ કરવાના વિચાર પર વિપક્ષ ઘેરાયું! રાજનાથ સિંહના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો

2026-10-16 12:08:00
Author: Vimal Prajapati
‘બાંગ્લાદેશની જેમ દેશમાં સત્તાપરિવર્તન’ કરવાના વિચાર પર વિપક્ષ ઘેરાયું! રાજનાથ સિંહના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો

નવી દિલ્હીઃ એક તરફ જ્યાં વિપક્ષી દળો દિલ્હીમાં સરકાર સામે મોરચાબંધી કરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપે પણ વળતો પ્રહાર શરૂ કરી દીધો છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષ પર સનસનાટીભર્યા આરોપો લગાવતા કહ્યું છે કે દેશમાં અરાજકતા ફેલાવવાનો અને બાંગ્લાદેશની તર્જ પર 'રિજીમ ચેન્જ' (સત્તાપરિવર્તન) કરવાનો વિપક્ષનો પ્રયાસ છે. લખનઉમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિપક્ષનો એકમાત્ર એજન્ડા દેશમાં અશાંતિ ઊભી કરવાનો છે અને રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે લોકશાહી અરાજકતાથી ચાલતી નથી.

રાજનાથ સિંહે વિપક્ષ પર કર્યાં આકરા પ્રહારો

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીના વર્તમાન રાજકીય ઘટનાક્રમ અંગે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, ‘દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ બની તે અત્યંત ગંભીર છે. એવું લાગે છે કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો દેશના યુવાનોની ઊર્જાને રાષ્ટ્રનિર્માણમાં જોડવાને બદલે રાજકીય સંઘર્ષ અને અરાજકતા ફેલાવવા માટે ઉપયોગ કરી રહ્યા છે. બાંગ્લાદેશની તર્જ પર સરકાર બદલવાના નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એક નેતા ખુલ્લેઆમ કહે છે કે તેમણે બાંગ્લાદેશમાંથી પ્રેરણા લીધી છે, તો બીજા નેતા સરકાર પાડી દેવાની ધમકી આપે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે તેમનો હેતુ લોકશાહી સંસ્થાઓને ધ્વસ્ત કરવાનો છે’.

 

વિપક્ષના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રહારો કરતા રાજનાથ સિંહે ઉમેર્યું હતું કે, ‘રિજીમ ચેન્જ’ જેવા શબ્દોનો ઉપયોગ દર્શાવે છે કે વિપક્ષની આ લડાઈ દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય, ચૂંટણી સુધાર, SIR કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર માટે નથી. પરંતુ દેશમાં અસ્થિરતા અને અરાજકતા ઊભી કરીને કોઈપણ ભોગે સત્તા હડપવાની તેમની એક ષડયંત્રકારી યોજના છે’. જેથી આ મામલે અત્યારે વિપક્ષ ઘેરાઈ રહ્યું ચે.

રાહુલ ગાંધીને રાજનાથ સિંહે શું સલાહ આપી?

રાજનાથ સિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘હું રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓને કહેવા માંગુ છું કે લોકશાહી એ બંધારણીય સંસ્થાઓની શાખ પર ચોટ કરવાનો કે દેશની વિકાસયાત્રામાં અવરોધ ઊભો કરવાનું લાયસન્સ નથી. સુપ્રીમ કોર્ટની તાજેતરની ટિપ્પણી પણ આ જ દિશામાં સંકેત આપે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાયદાનું સન્માન કરવું જરૂરી છે. રાહુલ ગાંધીએ લોકશાહીના નામે અવરોધનું રાજકારણ કરવાને બદલે જનમતનો સ્વીકાર કરીને પોતાની રાજકીય ભૂમિકા પર આત્મમંથન કરવું જોઈએ’.