રાજકોટઃ ભક્તિનગર સર્કલ નજીક ધોળા દિવસે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી હતી. કોલેજીયન પાન પાસે 27 વર્ષીય વિમલ વાણીયા નામના યુવાન પર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, વિમલ વાણીયા સાથે અજાણ્યા શખ્સની બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતા શખ્સે વિમલને છરીના એક બાદ એક ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં વિમલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત વિમલને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર મૃતક વિમલ વાણીયાએ આશરે એક વર્ષ પૂર્વે જસદણ પંથકની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેના પગલે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
દરમિયાન, સમગ્ર મામલે શંકાની સોઈ મૃતકના સાળા કમલેશ ઉર્ફે કાનો રબારી તરફ પણ દોરાઈ છે. વિમલની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ અને સાળાની કોઈ ભૂમિકા છે કે કેમ તે સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે. વિમલની પત્નીના કહેવા અનુસાર આ હત્યા કથિત રીતે તેનાં ભાઈએ કરી છે. પોતાનું છ મહિનાનું બાળક હોવાનું પણ તેણે કહ્યું હતું. હાલ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે હુમલાખોર સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.