Sat Oct 17 2026

Logo

રિબડા-હિરાસર 6 લેન ગ્રીનફિલ્ડ બાયપાસનું કામ શરૂ થશે, ખેડૂતોની 18 હજાર એકર જમીન કપાતમાં

2026-09-12 17:02:00
Author: Mumbai Samachar Team
રિબડા-હિરાસર 6 લેન ગ્રીનફિલ્ડ બાયપાસનું કામ શરૂ થશે, ખેડૂતોની 18 હજાર એકર જમીન કપાતમાં

પ્રતીકાત્મક તસવીર


રાજકોટઃ રાજકોટ નજીકથી પસાર થતો રીબડા-હિરાસરને જોડતો હાઈવે સિક્સલેન બને એ માટે જમીન સંપાદનનું કામ શરૂ થવાનું છે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં જમીન સંપાદનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે એવું જાણવા મળ્યું છે. રીબડાથી હિરાસરને જોડતા હાઈવે પર લેનનીં સંખ્યા વધી જશે. આ હાઈવે સિક્સલેન બની જશે. આ સિક્સલેન બાયપાસ પ્રોજેક્ટમાં રાજકોટ જિલ્લાના ગઢકા, ઢાંઢણી, સાયપર, અરડોઈ, રફાળા, પાડાસણ સહિતના 24 ગામના ખેડૂતોની જમીન સ્પર્શે છે. 

18 હજાર એકર જમીન કપાતમાં જાય છે
એક કે બે હજાર નહીં પણ 18 હજાર એકર જમીન કપાતમાં જતી હોવાથી ખેડૂતોએ આ પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ જમીન સંપાદન સામે રાજકોટ જિલ્લા ક્લેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય વળતર મળે એવી માગ કરવામાં આવી હતી. આ સાથે યોગ્ય વૈકલ્પિક રસ્તો કાઢવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. રીબડાથી હિરાસર સુધીના હાઈવેનું અંતર 36 કિમી થાય છે. જમીન સંપાદન અધિકારી પ્રાંત અધિકારી દ્વારા જમીન સંપાદનની કાર્યવાહી માટે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

સમગ્ર પ્રોજેકટ સાથે જોડાયેલા સૂત્રોમાંથી વિગત એવી મળી હતી કે, એક જ મહિનમાં જમીન સંપાદનની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે, જે ખેડૂતોની જમીન કપાતમાં જતી હશે એવા ખેડૂતોના નિવેદનને પહેલા સાંભળવામાં આવશે અને પછી તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટને લઈને જકોટ તાલુકાના 16, કોટડાસાંગાણી તાલુકાના 5 અને ગોંડલ તાલુકાના 3 ગામોમાં હાલ બિનખેતી કરવાની પ્રક્રિયાને સ્થગિત કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. 

₹2000 કરોડનો પ્રોજેક્ટ
રીબડા (ભરૂડી) થી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડતો 6-લેન (Six Lane) ગ્રીનફિલ્ડ બાયપાસ એ રાજકોટ શહેરના ટ્રાફિકને હળવો કરવા અને સૌરાષ્ટ્રની કનેક્ટિવિટી વધારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા હાથ ધરાયેલો એક અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. NH-27 (અમદાવાદ-રાજકોટ હાઈવે) પર આવેલા હિરાસર એરપોર્ટ (બેટી-રામપર) થી શરૂ થઈને રાજકોટ-ગોંડલ હાઈવે પર પીપળીયા ટોલનાકા અને રીબડા (ભરૂડી ગામ) સુધી આ બાયપાસ લંબાવવામાં આવશે.

આ માટે તબક્કાવાર કામગીરી શરૂ થશે અને સિક્સ લેનની એક મજબૂત ક્નેક્ટિવિટી મળી રહેશે. ગોંડલના ભરૂડી ગામથી શરૂ કરીને હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી અંદાજિત ₹2000 કરોડના ખર્ચે તૈયાર થનારા નવા હાઈવેથી રીબડા ગામેથી ડાયરેક્ટ રાજકોટ એરપોર્ટ સુધી પહોંચી શકાશે. રાજકોટની આસપાસના 24 ગામમાંથી પસાર થઈને આ હાઈવે સીધો રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસર પાસે ટચ થશે.