(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગે રાજકોટની એનર્જી એન્ડ સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલ ઓનેક્સ ગ્રુપ ઓફ કંપની અને તેની સહભાગી 50 જેટલી કંપનીઓની કોર્પોરેટ ઉપરાંત રજીસ્ટર ઓફિસો સહિત 45 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં કરોડો રૂપિયાના હિસાબી ગોટાળાના દસ્તાવેજો જપ્ત થયાં હતાં. આ કંપની દ્વારા ઇન્ટર્નલ બિલ ડિવાઇડ કરીને તેમજ સર્ક્યુલર ટ્રેડિંગ કરીને ટેક્સની ચોરી કરાતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટની ઓનેક્સ ગ્રુપ ઓફ કંપની લિસ્ટેડ કંપની છે અને શેર બજારમાં પોતાના ભાવો ઊંચકાય તે માટે બ્રોકર અને ઇન્વેસ્ટરોની એક આખી કાર્ટિલ રચીને ટેક્સની ચોરી કરવામાં પ્રકાશમાં આવ્યું છે.
રોકાણકાર બ્રોકરના કહેવાથી શેરની ખરીદી કરતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કંપનીના બ્રોકર અને રોકાણકારો વચ્ચે પહેલેથી જ કોઓર્ડીનેશન હતું. સવારે બજાર ખુલે તે પહેલા કયા સમયે શેર ખરીદવા અને વેચાણ કરવા તે નક્કી કરેલું જ હોય છે. રોકાણકાર બ્રોકરના કહેવાથી શેરની ખરીદી કરતા હતાં. બજાર બંધ થાય ત્યાં સુધીમાં મોટા પાયે શેર ખરીદી કરી લેવામાં આવતી જેથી અન્ય રોકાણકારો શેર ખરીદવા માટે આકર્ષિત થતા, જેના કારણે રોકાણકારો કંપનીના શેરમાં રોકાણ કરતા હોય છે. હકીકતમાં કંપનીના જ બ્રોકરો તેમના રોકાણકારો મારફત ખરીદ અને વેચાણ કરાવીને હાઈવ વોલ્યુમ બતાવતા હોય છે. આમ બ્રોકર અને તેમના ઇન્વેસ્ટરોની રચાયેલી કાર્ટિલમાં બીજા રોકાણકારો શેર ખરીદી લેતા હોય છે. આમ, કંપનીનું ટન ઓવર પણ મોટું દેખાતું હોય છે અને કંપનીના શેર બજારમાં સારું પર્ફોર્મન્સ આપી રહ્યા છે તેઓ માત્ર કાગળો ઉપર દેખાડો કરવામાં આવતો હતો. બપોરના સમયે બજાર બંધ થાય તે પહેલા બ્રોકર તેમના માનીતા ઇન્વેસ્ટરો પાસેથી ખરીદ કરેલા શેર કોર્નર કરી લેતા હોય છે.
અલગ અલગ જગ્યાએ જીએસટી વિભાગે પાડ્યા દરોડા
જીએસટી વિભાગની તપાસ પ્રમાણે, અમદાવાદમાં ડ્રેસ મટીરીયલ્સ અને રેડીમેડ ગારમેન્ટ્સના 15 થી 20 વેપારીઓ ઉપરાંત વડોદરા અને તેની આસપાસ 20 જેટલા જ્વેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતા. ત્યારબાદ રાજકોટ ધોરાજી જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં ઓનેક્સ ગ્રુપ ઓફ કંપનીની રાજકોટમાં મેટોડા ખાતે આવેલી મુખ્ય ઓફિસ સાથે આ જ ઓફિસમાં આવેલી 50 જેટલી અન્ય સહભાગી કંપનીઓ અને તેની સાથે સંકળાયેલા તેના પ્રમોટરોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ કંપની સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી હોવાથી અને ગ્રુપના પ્રમોટર સાવલિયા બ્રધર્સની તમામ ઓફિસો તપાસમાં કવર કરી લેવામાં આવી હતી.
જીએસટી વિભાગે આ રીતે કૌભાંડનો પર્દાફાશ કર્યો
પ્રાથમિક તપાસ પ્રમાણે કોઈપણ પ્રકારના ગુડ્સની લે વેચ કર્યા વગર બિલિંગ કરીને ટન ઓવર વધારવામાં આવતું હતું. જો આમ કરવામાં આવે તો બેંકોમાંથી મોટી લોન પણ લઈ શકાય છે અને ત્યારબાદ જીએસટી વિભાગમાંથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવતી હોય છે. જીએસટી અને ઇન્કમટેક્સમાં મોટી રાહત મેળવવા માટે સર્ક્યુલર ટ્રેડિંગ કરવામાં આવતું હતું. દરોડા દરમિયાન ડિજિટલ ડિવાઇસ વાંધાજનક દસ્તાવેજો મોટી માત્રામાં મળી આવ્યા હતા. દરોડા દરમિયાન કરોડો રૂપિયાના હિસાબી ગોટાળા અંગેના દસ્તાવેજો મળ્યા હતા. જીએસટી વિભાગના અધિકારીઓએ કંપનીની અમદાવાદમાં આવેલી ઓફિસમાં પણ તપાસ શરૂ કરી છે. તપાસના અંતે જીએસટીની સાથે ઇન્કમટેક્સની પણ મોટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવશે.