Tue Nov 17 2026

Logo

રાહુલ ગાંધી ફરી અમેરિકાના પ્રવાસે જશે: સંસદના શિયાળુ સત્ર પહેલાં પરત ફરશે

2026-11-05 16:03:47
Author: Mumbai Samachar Team
રાહુલ ગાંધી ફરી અમેરિકાના પ્રવાસે જશે: સંસદના શિયાળુ સત્ર પહેલાં પરત ફરશે

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ફરી અમેરિકા પ્રવાસે જઈ શકે છે. મીડિયાના અહેવાલ અનુસાર તેમનો પ્રવાસ 16થી 20 નવેમ્બર દરમિયાન પ્રસ્તાવિત છે. તેઓ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરવાની સાથે વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. 

પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીના ન્યૂ યોર્ક અને શિકાગોમાં કાર્યક્રમો યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. તેઓ 17 નવેમ્બરે ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટી અને 18 નવેમ્બરે શિકાગો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી શકે છે. જોકે, કોંગ્રેસ તરફથી હજુ સુધી પ્રવાસનું સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

યુનિવર્સિટીઓમાં યોજાનારા સંવાદ દરમિયાન લોકશાહી, યુવાનો, શિક્ષણ, રાજકારણ અને વૈશ્વિક મુદ્દાઓ જેવા વિષયો પર ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત, રાહુલ ગાંધી ભારતીય મૂળના લોકો તેમ જ વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. 
પ્રવાસના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી સંસદના શિયાળુ સત્ર પહેલાં ભારત પરત ફરશે. વિદેશ પ્રવાસ દરમિયાન તેઓ ભારતીય સમુદાય સાથે સંવાદ કરીને ભારત સંબંધિત વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરી શકે છે. 

રાહુલ ગાંધી છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વખત અમેરિકા જઈ ચૂક્યા છે. એપ્રિલ 2025માં તેઓ બ્રાઉન યુનિવર્સિટીના પ્રવાસે ગયા હતા, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી હતી. તે સમયે તેમણે યુવાનો, લોકશાહી અને દેશના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. 

આ પહેલાં સપ્ટેમ્બર 2024માં રાહુલ ગાંધીએ ત્રણ દિવસનો અમેરિકા પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન તેમણે ડલાસની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ અને વોશિંગ્ટન ડીસીની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી સભ્યો સાથે સંવાદ કર્યો હતો. ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધિત કરીને તેમણે ભારતની વિવિધતા, લોકશાહી અને યુવાનોની ભૂમિકા જેવા મુદ્દાઓ પર પણ વાત કરી હતી.