Mon Nov 16 2026

Logo

રાહુલ ગાંધીએ ‘જન મહાઅભિયાન’ ની તારીખ બદલી! દિલ્હી રેલીને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો

2026-10-30 15:07:46
Author: Vimal Prajapati
રાહુલ ગાંધીએ ‘જન મહાઅભિયાન’ ની તારીખ બદલી! દિલ્હી રેલીને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો

નવી દિલ્હીઃ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે યોજાનારો ‘જન મહાઅભિયાન’ કાર્યક્રમ હાલ પૂરતો ટાળી દીધો છે. તેમણે જાહેરાત કરી છે કે આ અભિયાન હવે આગામી 31 ઓક્ટોબરે ચલાવવામાં આવશે. આ સાથે જ રાહુલ ગાંધીએ આગામી 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી વિરોધ રેલીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને લોકોના દિલ્હી પ્રવેશ પર રોક લગાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના ગંભીર આરોપો મૂક્યા છે.

 રામલીલા મેદાન સુધી એક વિશાળ કૂચની જાહેરાત

વિપક્ષી ગઠબંધનના નેતાઓની ઉપસ્થિતિમાં પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “પરસો અમે રામલીલા મેદાન સુધી એક વિશાળ માર્ચ કાઢીશું. આમાં સમગ્ર વિપક્ષ સામેલ થશે. જે કોઈ પણ આમાં જોડાવા માંગે છે, ભલે તે રાજકીય હોય કે બિન-રાજકીય, સામાજિક કાર્યકરો હોય, સમાજ સેવા સાથે જોડાયેલા લોકો હોય, સિવિલ સોસાયટીના સભ્યો હોય કે પછી પત્રકારો તે તમામનું હાર્દિક સ્વાગત છે.” રાહુલ ગાંધીને દરેકને જાહેર આમંત્રણ આપ્યું છે. 

સરકાર પર લોકશાહી ખતમ કરવાનો આરોપ

કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલે આક્ષેપ કર્યો કે, “આ બંને કાર્યક્રમો એ મુદ્દા પર કેન્દ્રિત છે કે કેવી રીતે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમાર તથા તેમની ટીમ મળીને ભારતીય લોકશાહીને નષ્ટ કરી રહ્યા છે. ગૃહ પ્રધાન લોકોને દિલ્હી આવતા અટકાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે; તેઓ એ સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા, પંજાબ અને અન્ય રાજ્યોમાંથી આવતા અમારા પક્ષના કાર્યકરો અને સામાન્ય નાગરિકો દિલ્હી ન પહોંચી શકે!”

વધુમાં આક્ષેપ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “હવે તમે જોજો કે રામલીલા મેદાનમાં શું થાય છે? એ પણ જોજો કે કેટલા લોકો આવે છે અને સરકાર કેટલા લોકોને રોકવામાં સફળ રહે છે. આનાથી તમને સ્પષ્ટ ખબર પડી જશે કે દેશમાં હાલ શું ચાલી રહ્યું છે? દેશના લોકોમાં ભારે રોષ અને ઊંડી ભાવનાત્મક વેદના છે, કારણ કે લાખો લોકોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. અદાણી, અંબાણી, મોદી, શાહ અને મોહન ભાગવતને ફાયદો પહોંચાડવા માટે લોકોના મત છીનવાઈ રહ્યા છે.”