નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સામે કાનૂની મુશ્કેલીઓ વધી શકે તેવી પૂરી સંભાવના છે. ગત 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ પરિસરમાં કવરેજ કરી રહેલા એક મહિલા પત્રકારે રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવતા દિલ્હી પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. દિલ્હીમાં થયેલા પ્રદર્શનનો મામલો હવે રાજકીય સ્વરૂપ લઈ રહ્યું છે. આ મામલે વિપક્ષ દ્વારા સતત સરકાર પર સવાલ કરવામાં આવી રહ્યાં છે, અને સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદી મહિલા પત્રકાર રિચા પરાશરના જણાવ્યા પ્રમાણે, ઘટના સમયે તે અંદાજે 11 અઠવાડિયાની ગર્ભવતી હતી. તેમનો આક્ષેપ છે કે 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ પરિસરમાં વિપક્ષી નેતાઓની અવરજવર અને દેખાવ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા તેમને ખેંચવામાં આવ્યા અને ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું સંતુલન બગડી ગયું અને તેઓ સીડીઓ પર પેટના ભાગભેર નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં તેમના હાથમાં ઈજાઓ થઈ અને ફોન પણ નુકસાન પામ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.
કઈ કલમો હેઠળ FIRની માંગ?
ઘટના બાદ પેટના નીચલા ભાગમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેમને દિલ્હીની પ્રખ્યાત સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર અને જરૂરી મેડિકલ તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી. પીડિત મહિલા પત્રકારે સંસદ માર્ગના ડીસીપીને લેખિત ફરિયાદ આપીને રાહુલ ગાંધી તેમજ અન્ય સંબંધિત લોકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 74, 115(2), 131, 125 અને 3(5) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ આ મામલે નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની અપીલ કરવામાં આવી છે.