Tue Nov 10 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ રાહુલે વેપારીઓની વાત સ્વીકારી માનવતા બતાવવાની જરૂર હતી

2026-10-28 07:42:07
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ રાહુલે વેપારીઓની વાત સ્વીકારી માનવતા બતાવવાની જરૂર હતી

ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણીઓમાં સંવેદના મરી પરવારી છે અને સામાન્ય માણસની તેમને પડી જ નથી. પોતાના રાજકીય નાટકોના કારણે લોકોને પડનારી તકલીફો કે આપદાઓથી તેમને કોઈ ફરક પડતો જ નથી. લોકો અથડાતાં-કૂટાતાં હોય તો ભલે કૂટાતાં, આપણે દેકારો કરીને સરકાર સામે શક્તિપ્રદર્શન કરવાનું એવી તેમની માનસિકતા છે ને રાહુલ ગાંધીએ દિલ્હીના વેપારીઓની 1 નવેમ્બરની સભા મોકૂફ રાખવાની વિનંતી ફગાવીને આ માનસિકતાનો પરચો આપ્યો છે. દિલ્હીના વેપારીઓએ રાહુલ ગાંધીને દિવાળીની ઘરાકી પતી જાય પછી સભા કરવા વિનંતી કરેલી પણ રાહુલે ઘસીને ના પાડી દીધી છે. 

કૉંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી મોરચા ઈન્ડિયા આઇએનડીઆઇએ દ્વારા 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં સભા યોજાવાની છે તેના કારણે કેન્દ્ર સરકારના પેટનું પાણી પણ હાલશે કે નહીં એ ખબર નથી પણ દિલ્હીના વેપારીઓનાં બ્લડ પ્રેશર અત્યારથી વધી ગયાં છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગને ઉગ્ર બનાવવા અને મતદાર યાદીની ‘સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન’ એસઆઇઆર પ્રક્રિયા વિરોધી આ સભામાં 15 હજારથી 20 હજાર બસોમાં ભરીને 10  લાખ લોકો ઠલવાશે એવી શક્યતા છે. આટલાં બધાં લોકો ઉમટે એટલે મધ્ય દિલ્હીમાં ટ્રાફિક વ્યવસ્થા તો સંપૂર્ણપણે ઠપ થઈ જ જશે પણ વેપારીઓને પોતાના વેપારને પણ ફટકો પડે એવો ડર છે ને આ ડર સાવ સાચો છે. 

કૉંગ્રેસની સભા 1 નવેમ્બરે છે ને દિવાળી 10 નવેમ્બરે છે તેથી દિલ્હીનાં બજારોમાં ખરીદી પુરજોશમાં ચાલી રહી છે. દિલ્હીની આસપાસનાં સેંકડો ગામોના નાના નાના વેપારીઓથી માંડીને સામાન્ય લોકો સુધીનાં બધાં ખરીદી કરવા ઉમટી રહ્યાં છે તેના કારણે પડે એના કટકા જેવો ઘાટ છે. 

સામાન્ય રીતે  ધનતેરસ લગીમાં દિવાળીની ખરીદી પતી જતી હોય છે. ધનતેરસ 6 નવેમ્બરે છે તેથી 1 નવેમ્બરે દિલ્હીનાં બજારોમાં હકડેઠઠ ભીડ જામેલી હોય પણ વિપક્ષોની રૅલીના કારણે એ દિવસે બધા વિસ્તારો બંધ કરી દેવાશે તેથી બજારો બંધ રાખવાં પડશે. બહારથી 10 લાખ લોકો ઉમટવાનાં હોય એટલે પોલીસ બે દાડા પહેલાંથી નાકાબંધી સહિતની તૈયારીઓ કરી દેતી હોય છે. મોટા પ્રમાણમાં ચેકિંગ પણ શરૂ થઈ જાય છે તેથી લોકો બજારોમાં જવાનું ટાળવા માડે છે એટલે ખરેખર તો 30 ઓક્ટોબરથી જ ધંધો ઠપ થવા માંડશે. સભાના બે દાડા લગી લોકો ફરકશે નહીં એટલે સીધો પાંચ દાડાનો ફટકો પડી જશે ને વેપારીઓની દિવાળી બગડી જશે. 

આ ચિંતાને કારણે દિલ્હીના વેપારીઓની સર્વોચ્ચ સંસ્થા, ‘ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી’ સીટીઆઇએ રાહુલ ગાંધીને વિનંતી કરી હતી કે, દિવાળીની અમારી સિઝન પતી જાય પછી જેટલી સભાઓ કરવી હોય એટલી કરજો, અમને કોઈ ફરક પડતો નથી. તમે દિવાળીના દિવસે એટલે કે 10 નવેમ્બરે સભા યોજો તો પણ અમને વાંધો નથી પણ રાહુલે એકદમ ઉડાઉ જવાબ આપીને વાતને ઉડાવી દીધી. 

રાહુલે ટ્વીટ કરેલું કે, દિલ્હીના દરેક વેપારીને અમે પ્રેમ કરીએ છીએ અને તમારી વાત સાંભળી રહ્યા છીએ. પણ સરકારે જ મેટ્રો બંધ કરી છે, રસ્તા સીલ કર્યા છે અને રાજધાનીમાં લૉકડાઉન લાદ્યું છે. મતોની જ ચોરી થઈ જાય ત્યારે કંઈ પણ સુરક્ષિત નથી રહેતું ન તમારી દુકાન, ન તમારી બચત, અને ન તમારાં બાળકોનું ભવિષ્ય. આ સંજોગોમાં મોદીજીને કહો કે, ‘આરોપી નંબર 4’, જ્ઞાનેશકુમારને હટાવી દો તો આ દેખાવો 30  સેક્ધડમાં બંધ થઈ જશે.

રાહુલ ગાંધીની વાત તાર્કિક નથી. સરકાર તો કોઈનું સાંભળતી જ નથી ને તેના કારણે દિલ્હી છેલ્લા 4 મહિનાથી સમરાંગણ બનેલું છે. પહેલાં નીટ પેપર વિરોધી દેખાવો થયા તેના કારણે એક-દોઢ મહિનો બબાલ ચાલી તેમાં બધું ઠપ થઈ ગયું. હવે ચૂંટણી પંચ સામે આંદોલન શરૂ થયું તેમાં નવી બબાલ શરૂ થઈ છે પણ સરકાર કશું ના બન્યું હોય એ રીતે જ વર્તે છે. આ કારણે વેપારીઓ રાહુલ પાસે આવ્યા અને રાહુલને માનવીય અભિગમ બતાવવાની વિનંતી કરી પણ રાહુલે પણ સાબિત કરી દીધું કે, રાજકારણીઓ બધે જ સરખા છે. 

દિલ્હીના વેપારીઓની વાત તાર્કિક છે ને વ્યાપક લોકહિત સાથે જોડાયેલી પણ છે. રામલીલા મેદાનમાં સભા થવાની છે ને આ વિસ્તાર દિલ્હીનું મેઈન માર્કેટ છે.  રામલીલા મેદાનની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં 20 મોટાં જથ્થાબંધ બજારો આવેલાં છે અને અહીંથી  દરરોજ કરોડો રૂપિયાનો માલ દેશભરમાં અને વિદેશમાં મોકલવામાં આવે છે. 

ચાંદની ચોક, સદર બજાર, ચાવડી બજાર, કાશ્મીરી ગેટ વગેરે બધાં મોટાં બજારો આ વિસ્તારમાં છે. દરરોજ આ બજારોમાં આવતા ત્રણ લાખથી ચાર લાખ ગ્રાહકો આવે છે. વિપક્ષોની સભાના કારણે ડરેલા આ લોકો બજારોમાં નહીં જ આવે તેથી ફટકો પડવાનો જ. આ બજારોમાં નાના મોટા થઈને 20 લાખ વેપારીઓ છે એવો ચેમ્બરનો દાવો છે ને તેમના પરિવારોની દિવાળી બગડવાની જ છે. 

અત્યારે સભાના કારણે પાંચેક દિવસ બગડશે એવો દાવો કરાય છે પણ વાસ્તવમાં દિવાળીની ઘરાકી જ રફેદફે થઈ જશે.  રામલીલા મેદાનની ક્ષમતા 50 હજાર લોકોની છે જ્યારે 10  લાખ લોકો ઉમટી પડશે એવું મનાય છે. આ બધાં લોકો આસપાસના વિસ્તારોમાં જ્યાં પણ જગા મળશે ત્યાં અડિંગા જમાવી દેશે. 

સભા પતે પછી તરત જ બધાં લોકો જઈ શકવાનાં નથી તેથી બજારો દિવાળી લગી તેમનાથી ભરાયેલાં રહે એવું પણ બને. ભૂતકાળમાં રાજકીય સભાઓમાં આવેલાં લોકોએ તોડફોડ કરી હોય એવી ઘટનાઓ પણ બની છે તેથી વેપારીઓને એ પણ ડર હશે જ. વેપારીઓનું કહેવું છે કે, દિલ્હીના વેપારીઓને  છેલ્લા 25 દિવસમાં 3000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવે સભાની તારીખ નહીં બદલાય તો વધુ 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. 

આ નુકસાન બહુ મોટું કહેવાય ને 20 લાખ પરિવારોનો સવાલ છે એ જોતાં રાહુલ ગાંધીએ વેપારીઓની માંગ સ્વીકારીને તારીખ બદલવાની જરૂર હતી. તેના કારણે રાહુલ ગાંધી તરફ લોકોને પણ સહાનુભૂતિ થઈ હોત પણ રાહુલે ટિપિકલ રાજકારણીની જેમ વિચારીને વાત જ ના સાંભળી. દિલ્હીમાં કૉંગ્રેસના ચણાય નથી આવતા ને લોકો ભાજપ તથા આમ આદમી પાર્ટીને જ મત આપે છે તેથી આપણે શું કરવા દિલ્હીવાળાંની ચિંતા કરવી જોઈએ એવું પણ મનમાં હોઈ શકે. કારણ ગમે તે હોય પણ દેશનું ભલું કરવાના નામે થઈ રહેલી સભાના કારણે નુકસાન દેશનાં લોકોને જ થઈ રહ્યું છે.