Tue Oct 06 2026

Logo

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાના હતા રાહુલ બોન્દ્રે, પણ કોના ફોને ખેલ બગાડ્યો!

2026-09-23 21:26:31
Author: Mumbai Samachar Team
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાના હતા રાહુલ બોન્દ્રે, પણ કોના ફોને ખેલ બગાડ્યો!

મુંબઈ: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ચિખલી વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રાહુલ બોન્દ્રે ભાજપમાં જોડાવાની તૈયારીમાં હતા, પણ છેલ્લી ઘડીએ નિર્ણય બદલવામાં આવ્યો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળ દ્વારા કરાવાયેલા કોલ અંગે રાહુલ ગાંધીએ રાહુલ બોન્દ્રેને પક્ષ નહીં બદલવા વિનંતી કરી હતી.

સોમવારે રાતે પશ્ચિમ વિદર્ભના બુલઢાણા જિલ્લાની ચિખલી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા કોંગ્રેસના પૂર્વ વિધાયક રાહુલ બોન્દ્રે ભાજપમાં જોડાવવાના હતા તે પહેલાં જ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમને ફોન કર્યો હતો.

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે જ રાહુલ ગાંધીને બોન્દ્રે સાથે વાત કરવા કહ્યું હતું. રાહુલ ગાંધી બોન્દ્રેને પક્ષમાં જ રહેવા માટે સમજાવી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રવિવારે બોન્દ્રેએ એક વીડિયોમાં ભાજપમાં જોડાવવાના પોતાના નિર્ણયની ઘોષણા કરી હતી. 

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમને ભાજપમાં આવકારવા તૈયાર હતા અને તેના માટે એક કાર્યક્રમ પણ યોજવાનો હતો. કોંગ્રેસના જૂના નેતા બોન્દ્રે બે ટર્મ સુધી ચિખલી બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 

ચિખલીમાં મજબૂત જનસંપર્ક ધરાવતા બોન્દ્રેનું પક્ષ છોડવું મોટો ઝટકો સાબિત થઈ શકે તેમ હોવાથી કોંગ્રેસ નેતાઓની વિનંતી પર રાહુલ ગાંધીએ તેમની સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ બોન્દ્રેને ભાજપની ડરાવવાની રાજનીતિ સામે પક્ષ તરફથી પૂરા સમર્થનની ખાતરી આપી હતી.

એ જ દિવસે પછીથી બોન્દ્રેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને જાહેરાત કરી કે તેઓ ભાજપમાં નહીં જોડાય. "રાહુલ ગાંધી સાથે ઊભા રહીને આ લડાઈમાં બધું જ ન્યોછાવર કરવા તૈયાર છું," તેમણે લખ્યું હતું.