મુંબઈ: નિતેશ તિવારીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે. ફિલ્મમાં રાવણના પુત્ર મેઘનાદ એટલે કે ઇન્દ્રજિતની ભૂમિકામાં અભિનેતા રાઘવ જુયાલનો પ્રથમ લુક સામે આવ્યો છે. મેઘનાદના ઉગ્ર અને શક્તિશાળી વ્યક્તિત્વને પડદા પર ઉતારતા રાઘવના આ પાત્રએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.
રાઘવ જુયાલ ફિલ્મમાં લંકાનો રાજકુમાર અને રાવણનો જ્યેષ્ઠ પુત્ર મેઘનાદની ભૂમિકા ભજવી રહ્યો છે. મેઘનાદને ઇન્દ્રજિત તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, દેવરાજ ઇન્દ્રને પરાજિત કર્યા બાદ તેને આ નામ મળ્યું હતું. રામાયણના યુદ્ધમાં મેઘનાદ એક અત્યંત શક્તિશાળી અને કુશળ યોદ્ધા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
મેઘનાદનું પાત્ર તેની અસાધારણ યુદ્ધકલા, માયાવી શક્તિઓ અને આકાશમાં છુપાઈને યુદ્ધ કરવાની ક્ષમતા માટે જાણીતું છે. પૌરાણિક કથાઓમાં તેને પરાક્રમી યોદ્ધા ગણાવવામાં આવ્યો છે. આ પાત્રની શક્તિ અને ગંભીરતા ફિલ્મમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
રામાયણ ફિલ્મમાં રણબીર ભગવાન રામના પાત્રમાં છે, સાઈ પલ્લવી સીતા માતાના પાત્રમાં અને યશ રાવણના પાત્રમાં જોવા મળે છે, આ પાત્રો વચ્ચે મેઘનાદની હાજરી ફિલ્મમાં યુદ્ધના તણાવ અને લંકાની સૈન્ય શક્તિને સામે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જે રામાયણ ફિલ્મના બીજા ભાગમાં જોવા મળશે, જયારે ભગવાન રામ લંકાપતિ સામે યુદ્ધ કરવા પહોંચશે.
રાઘવ જુયાલ અગાઉ ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ અને ‘ડાન્સ પ્લસ’થી લોકપ્રિય થયો હતો. ત્યારબાદ તેણે અભિનય ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી હતી. ‘કિલ’ ફિલ્મમાં તેમના અભિનયની પ્રશંસા થઈ હતી, જ્યારે વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલિવૂડ’માં પણ તે જોવા મળ્યો હતો. હવે ‘રામાયણ’માં મેઘનાદની ભૂમિકા તેની કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.