રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ પ્રકાશપર્વ દિવાળી પર દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા આ માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા તા.6થી 8 નવેમ્બર સુધી દિવાળી કાર્નિવલનું સેલિબ્રેશન થશે. ત્રણ દિવસમાં એકથી એક ચડિયાતા કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગત વર્ષે ચાર દિવસનો દિવાળી કાર્નિવલ આ વર્ષે ત્રણ દિવસનો કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકાના મેયર ડૉ. નેહલ શુકલ એ જણાવ્યું હતું કે, આનંદ-ઉમંગ અને ઉત્સાહના પર્વ એવા દિવાળીના તહેવારને યાદગાર બનાવવા માટે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી કાર્નિવલ યોજાશે.
શું કહ્યું રાજકોટના મેયરે?
પ્રકાશના પર્વમાં પરંપરાગત ઉજવણીની સાથે મનોરંજન, સાંસ્કૃતિક અભિવ્યક્તિ તથા ઉત્સવના માહોલને અનુરૂપ થીમ બેઝ સેલિબ્રેશન કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના નાગરિકો માટે આ કાર્નિવલ ખરા અર્થમાં યાદગાર બની રહેશે. આ માત્ર દીપોત્સવ નથી પણ પરસ્પર પ્રેમ, આનંદ, અભિવ્યક્તિ અને ખુશીઓની આપ-લે કરવાનો આ ઉત્સવ છે. આ વખતે કાર્નિવલમાં સમગ્ર રાજકોટ શહેરમાં જુદા જુદા સ્થળોએ રોશની કરાશે,

ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, રંગોળી સ્પર્ધા થશે. તા6 નવેમ્બરના રોજ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ટ ખાતે આતશબાજી અને લેસર શૉ થશે, રેસકોર્સ ગ્રાઉન્ડમાં પાંચ દિવસનો ફૂડ ફેસ્ટિવલ શરૂ થશે, તા.7 નવેમ્બરના રોજ રંગોળી સ્પર્ધા થશે, આ પછી ટેબ્લો કાર્નિવલ યોજાશે. ટેબ્લો કાર્નિવલ સાંજે 7 વાગ્યે શરૂ થશે. જેમાં વિવિધ સોશિયલ મેસેજ આપતા ટેબ્લો નિહાળી શકાશે.
ફૂડનો આનંદ સાથે સંગીતના સૂર
મેયરે ઉમેર્યું હતું કે, રાજકોટમાં રંગેચંગે મનાવતો સૌથી મોટો તહેવાર છે અને શહેરના નાગરિકો આ પર્વને ખૂબ જ ઉત્સાહ તથા ઉમંગ સાથે ઉજવે છે. નાના વેપારીઓ માટે દિવાળીનો આ તહેવાર આખા વર્ષની આવકનું મોટું સાધન બનતો હોય છે. આથી રાજકોટ મ્યુ. કોર્પોરેશન પણ શહેરવાસીઓ આ તહેવારનો ભરપૂર આનંદ અને કિલ્લોલ માણી શકે તે માટે દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી કાર્નિવલનું ઉત્સાહભેર આયોજન કરવા માટે કટિબદ્ધ છે.

મહાનગર પાલિકાના આ ઉત્તમ આયોજનનો ઉદ્દેશ નાગરિકોને દિવાળીમાં રોશનીની સાથે યોગ્ય મેસેજ સાથે મનોરંજન પૂરુ પાડવાનો રહ્યો છે. કોર્પોરેશનમાં યોજાયેલી આ બેઠકમાં એક ખાસ બેઠક બોલાવાઈ હતી જેમાં સમગ્ર કાર્યક્રમની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. ફૂડ સ્ટ્રીટ સાથે શહેરીજનોને પ્રખ્યાત બેન્ડની સંગીતમય સુરાવલીનો આનંદ પણ લઈ શકશે.