નવી દિલ્હીઃ દેશમાં રવી વાવેતરનો આરંભ ધીમી ગતિએ થયો છે અને ગત 16મી ઑક્ટોબર સુધીમાં રવી વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 4.65 લાખ હેક્ટર સામે 26.23 ટકાના ઘટાડા સાથે 3.43 લાખ હેક્ટર રહ્યો હોવાનું કૃષિ મંત્રાલયે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે દેશમાં રવી વાવેતરનો આરંભ ઑક્ટોબર મહિનાથી શરૂ થતો હોય છે અને તેની લણણી માર્ચ મહિનાથી થતી હોય છે. સામાન્યપણે રવી મોસમનો મુખ્ય પાક ઘઉંનો હોય છે, પરંતુ હજુ તેનું વાવેતર શરૂ ન થયું હોવાનું મંત્રાલયે યાદીમાં ઉમેર્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર અમુક રાજ્યોમાં ડાંગર, વટાણા, જુવાર, મકાઈ, જવ, સરસવ અને મગફળીનું વાવેતર થયું છે. જેમાં ડાગરનું વાવેતર કર્ણાટક અને તમિળનાડુમાં શરૂ થયું છે અને વાવેતર વિસ્તાર 88,000 હેક્ટર રહ્યો છે. આ સિવાય રાજસ્થાન અને નાગાલેન્ડમાં કઠોળનું વાવેતર શરૂ થયું છે, જ્યારે મિઝોરમ, નાગાલેન્ડ અને અન્ય રાજ્યોમાં વટાણાનું વાવેતર શરૂ થયું છે.
વધુમાં જાડા અથવા તો કડ ધાન્યના વાવેતરનો અમુક શહેરોમાં આરંભ થયો છે અને વાવેતર વિસ્તાર 8000 હેક્ટર રહ્યો છે જેમાં મકાઈનો વાવેતર વિસ્તાર 2000 હેક્ટર અને જવનો વાવેતર વિસ્તાર 1000 હેક્ટર રહ્યો છે. આ સિવાય તેલીબિયાંમાં રાયડા/સરસવનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 3.10 લાખ હેક્ટર સામે ઘટીને 2.26 લાખ હેક્ટર રહ્યો છે, જ્યારે મગફળીનું વાવેતર 1000 હેક્ટરમાં થયું છે.
નોંધનીય બાબત એ છે કે કૃષિ મંત્રાલયે પાક વર્ષ 2026-27 (જુલાઈ-જૂન)માં રવી ખાદ્યાન્ના ઉત્પાદનનો અંદાજ 17.772 કરોડ ટનનો મૂક્યો છે.