પ્રફુલ શાહ
બોલિવૂડ તો ઠીક, હોલિવૂડના ય એસપિનોજ સસ્પેન્સ થ્રિલરને ભૂ પીવડાવે એવો રિયલ લાઈફ ડ્રામા છે પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસ. ભારતના સૌથી રહસ્યમય હથિયાર-કાંડની સંપૂર્ણ કહાની પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસ દેશના ઇતિહાસની રહસ્યમય ઘટનાઓમાંની એક છે.
આ સનસનીખેજ ઘટના બની હતી પુરુલિયામાં. એ દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ર્ચિમ બંગાળ રાજ્યનો એક મહત્ત્વપૂર્ણ અને પશ્ચિમી છેડા પર આવેલો જિલ્લો છે. તે પશ્ચિમ બંગાળની પશ્ચિમ સરહદે આવેલો છે અને પ્રકૃતિ તથા ખડકાળ જમીન માટે જાણીતો છે. પુરુલિયા જિલ્લો આશરે 6,259 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે. કલા-પ્રેમી અને પ્રવાસ શોખીનોને ખબર હોય જ કે આ પ્રદેશ તેના પ્રખ્યાત છુ નૃત્ય, સુંદર પહાડો (જેવા કે અયોધ્યા પહાડ) અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં મુખ્યત્વે બંગાળી, કુરમાલી અને સંતાલી ભાષાઓ બોલાય છે.
પુરુલિયા આર્મ્સ ડ્રોપ 17 ડિસેમ્બર 1995ની રાત્રે લગભગ મધરાત આસપાસ થયું હતું. ઉપલબ્ધ વિશ્વસનીય અહેવાલોમાં ચોક્કસ કલાક-મિનિટનો સમય સ્પષ્ટ નથી; અખબારી અહેવાલો મુજબ મધરાતનો સમય હતો.
જો કે ભારત સરકારના સંસદીય રેકોર્ડમાં વિમાન 17 ડિસેમ્બરે વારાણસીથી રાત્રે 10:00 વાગ્યે નીકળ્યું હતું અને 18 ડિસેમ્બરે 12:40 વાગ્યે કલકત્તા એરપોર્ટ પર પહોંચ્યું હતું, પરંતુ આ સમય Puruliadp„ arms dropનો સમય નથી.
એટલે સૌથી સચોટ શક્યતા એવી કે 17 ડિસેમ્બર 1995ના લગભગ રાત્રે 12:00 વાગ્યાની આસપાસ પુરુલિયાના જાલદા-ખટંગા-બેલામુ-મારામુ વિસ્તાર ઉપરથી હથિયારો પેરાશૂટથી નીચે નાખવામાં આવ્યાં હતાં.
આગલા દિવસે એટલે કે 18 ડિસેમ્બરની સવારે લગભગ 7:30 વાગ્યે સ્થાનિક યુવક સુભાષ તંતુબાય હથિયારોનાં બોક્સની જાણ કરવા જાલદા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારથી લઈને આજે પણ આ ઘટનાના કેટલાક મૂળ પ્રશ્નોના સંપૂર્ણપણે ગળે ઊતરે એવા સાચા જવાબ મળ્યા નથી.
કેમ એવું? આના જવાબ માટે વિગતોમાં થોડા વધુ ઊંડા ઊતરીએ. રાત્રે એક એન્ટોનોવ AN-26 વિમાન પુરુલિયા ઉપર પેરાશૂટ વડે હથિયારોનાં બોક્સ નીચે ફેંકવામાં આવ્યા હતા. બીજા દિવસે સ્થાનિક લોકોએ હથિયારોનાં બોક્સ અને પેરાશૂટ જોયાં અને પોલીસને જાણ કરી. પોલીસને મળેલા શોમાં મુખ્યત્વે AK-47 રાઇફલ, પિસ્તોલ, રોકેટ લોન્ચર, હેન્ડ ગ્રેનેડ અને મોટી સંખ્યામાં કારતુસો હતા. એ સમયના વિવિધ અહેવાલોમાં શસ્ત્ર- સરંજામના ચોક્કસ આંકડા અંગે તફાવત જોવા મળ્યો હતો, પરંતુ આટલો મોટો જથ્થો હતો કે તેને કોઈ પણ સંજોગોમાં સામાન્ય હથિયાર-ચોરી કહી જ ન શકાય.
પરંતુ અબજો રૂપિયાનો કોયડો એ હતો કે રાતના અંધારામાં ભેદી રીતે ફેંકાયેલાં હથિયારો હતાં કોના માટે? એ સમયે સમગ્ર કેસનો સૌથી મોટો સવાલ આ જ હતો જે આજ સુધી અનુત્તર રહ્યો છે.
અલબત્ત, તપાસ એજન્સીઓએ એક સમયે દાવો કર્યો હતો કે હથિયારો આનંદ માર્ગ નામના આધ્યાત્મિક-સામાજિક ગણાવાતા સંગઠનના કેટલાક સભ્યો સુધી પહોંચાડવાનાં હતાં.
તો આનંદ માર્ગ વિશે ય થોડું જાણવું પડે.
1955માં પ્રભાત રંજન સરકાર ઉર્ફે શ્રી શ્રી આનંદમૂર્તિએ બિહારના જામાલપુર ખાતે આનંદ માર્ગની સ્થાપના કરી હતી. એની સ્થાપના પાછળનો મુખ્ય ધ્યેય વ્યક્તિગત આધ્યાત્મિક સાધના સાથે સમાજસેવા અને માનવકલ્યાણનો હતો. એ કહેવાની જરૂર નથી કે આનંદ માર્ગનો અર્થ થાય આનંદ તરફ જવાનો માર્ગ. તેના વિચારમાં યોગ, ધ્યાન, તંત્રસાધના, નૈતિક જીવન અને સેવા મહત્ત્વ ધરાવે છે. આ સંગઠનના સાધકોને સામાન્ય રીતે માર્ગી કહેવામાં આવતા હતા. આ સંગઠનની સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં શિક્ષણ, આરોગ્ય, રાહતકાર્ય અને ગરીબોની સેવા વગેરે છે.
આનંદ માર્ગના પુરુલિયા વિસ્તારમાં આશ્રમો અને મોટી સંખ્યામાં અનુયાયીઓ હતા. સીબીઆઇના મતે હથિયારોનો ઉપયોગ પશ્ર્ચિમ બંગાળની તે સમયની ડાબેરી સરકાર સામે બળવો અથવા સશ પ્રવૃત્તિ માટે થઈ શકે તેમ હતો. જો કે આ સાબિત થઈ શક્યું નહોતું.
પુરુલિયા આર્મ્સ ડ્રોપના શું, કોણ, શા માટે અને કેમ જેવા અનેક રોચક પાસાં અવશ્ય આશ્ચર્યજનક સાબિત થશે એની ગેરંટી છે હો. (ક્રમશ:)