પુણે: હિંજવડી આઈટી પાર્ક અને પુણે શહેર વચ્ચે રોજિંદી અવરજવર કરતા લાખો લોકો માટે રાહતના સમાચાર છે. પુણે મેટ્રો લાઇન-3નું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી 3 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે, જ્યારે 4 નવેમ્બરથી માન-હિંજવડીથી શિવાજીનગર વચ્ચે મેટ્રો સેવા મુસાફરો માટે શરૂ થશે. શરૂઆતમાં કુલ 23માંથી 17 સ્ટેશન કાર્યરત કરવામાં આવશે.
ઉદ્ઘાટન સમારોહ સવારે 10.30 વાગ્યે મ્હાલુંગે-બાલેવાડી સ્થિત શ્રી શિવછત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સુનેત્રા અજિત પવાર પણ ઉપસ્થિત રહેશે.
લગભગ 23.203 કિલોમીટર લાંબો આ એલિવેટેડ મેટ્રો કોરિડોર ‘પુણેરી મેટ્રો’ અને ‘પિંક લાઈન’ તરીકે ઓળખાશે. આ રૂટ માનથી શરૂ થઈ રાજીવ ગાંધી ઇન્ફોટેક પાર્ક, હિંજવડી મારફતે શિવાજીનગર સુધી પહોંચશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા 8,313 કરોડ છે. પુણે મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (પીએમઆરડીએ) દ્વારા વિકસિત આ પ્રોજેક્ટનું અમલીકરણ પુણે આઈટી સિટી મેટ્રો રેલ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર,આ મોડલ પર અમલમાં મુકાયેલો આ દેશનો પ્રથમ મેટ્રો પ્રોજેક્ટ છે.
શરૂઆતના તબક્કામાં ખુલનારા 17 સ્ટેશનોમાં માન, માન-એમઆઈડીસી સર્કલ ફેઝ-2, માન બસ ડેપો, હિંજવડી ફેઝ-2 સર્કલ-1 અને 2, પદ્મભૂષણ ચોક, શિવછત્રપતિ શિવાજી મહારાજ ચોક, હિંજવડી ફેઝ-1, વાકડ ચોક, શ્રી શિવછત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મિટકોન, આર.કે. લક્ષ્મણ મ્યુઝિયમ, ઔંધ, સકલનગર, સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી, કૃષિ મહાવિદ્યાલય અને જિલ્લા તથા સત્ર ન્યાયાલયનો સમાવેશ થાય છે. બાકીના છ સ્ટેશનો તબક્કાવાર શરૂ થશે. તેમાંથી બે સ્ટેશનનું કામ નવેમ્બર 2026ના અંત સુધી અને અન્ય ચાર સ્ટેશનનું કામ જાન્યુઆરી 2027 સુધી પૂર્ણ થવાની અપેક્ષા છે. શરૂઆતમાં સાત સ્ટેશનો પર એક જ દાદર મુસાફરો માટે ખુલ્લો રહેશે, જ્યારે બાકીના 10 સ્ટેશનો પર બંને દાદરનો ઉપયોગ કરી શકાશે.
મેટ્રો સેવા ચોથી નવેમ્બરે સવારે 6 વાગ્યે શરૂ થશે. માનથી જિલ્લા ન્યાયાલય તરફ જતી છેલ્લી મેટ્રો રાત્રે 10.30 વાગ્યે અને જિલ્લા ન્યાયાલયથી માન તરફ જતી છેલ્લી મેટ્રો રાત્રે 11.40 વાગ્યે ઉપડશે. વ્યસ્ત સમય દરમિયાન દર છ મિનિટે અને અન્ય સમયે દર 12 મિનિટે મેટ્રો ઉપલબ્ધ રહેશે.
જિલ્લા ન્યાયાલય સ્ટેશન પર આ લાઇન મહામેટ્રોની લાઈન-1 (પિંપરી-ચિંચવડથી સ્વારગેટ) અને લાઇન-2 (વનાઝથી રામવાડી) સાથે જોડાશે. મુસાફરોની સુવિધા માટે બંને મેટ્રો સેવાઓને આવરી લેતી સંયુક્ત ટિકિટિંગ એપ પણ તૈયાર કરવામાં આવી છે.
અધિકારીઓના અંદાજ મુજબ આ મેટ્રોનો દરરોજ લગભગ બે થી અઢી લાખ મુસાફરો લાભ લેશે. હિંજવડી આઈટી પાર્ક, ઔંધ, બાણેર, બાલેવાડી, મ્હાલુંગે, ગણેશખિંડ રોડ અને શિવાજીનગર વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં આ કોરિડોર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
મેટ્રો સ્ટેશનો પરથી આગળની મુસાફરી માટે બસ, ઓટોરિક્ષા, એપ આધારિત ટેક્સી અને ઈ-બાઈકની સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના છે. સ્ટેશનોની બહાર પિકઅપ-ડ્રોપ પોઇન્ટ તથા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
પર્યાવરણ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટમાં અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સ્ટેશનો અને ડેપોમાં 7.60 મેગાવોટની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા ઊભી કરવામાં આવી છે, જે પ્રોજેક્ટની અંદાજે 30 ટકા વીજળીની જરૂરિયાત પૂરી કરશે. બાંધકામમાં અપનાવાયેલા ઉપાયોથી આશરે 28 હજાર ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન, બે હજાર ટન સ્ટીલ અને 60 કરોડ લિટર પાણીની બચત થવાનો દાવો છે. પ્રભાવિત વૃક્ષોના બદલામાં 5,500 નવા વૃક્ષો વાવવામાં આવ્યા છે અને 750 વૃક્ષોનું પુનઃરોપણ કરવામાં આવ્યું છે. સ્ટેશનો સુધી પહોંચવા માટે ફૂટપાથ, સાયકલ ટ્રેક અને પદયાત્રી ક્રોસિંગની વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી રહી છે.
મેટ્રોનું સંચાલન અલ્સ્ટોમની વાતનુકૂલિત ટ્રેનો દ્વારા કરવામાં આવશે, જેમાં મોબાઇલ અને લેપટોપ ચાર્જિંગની સુવિધા રહેશે. આશરે 100 મહિલા ટ્રેન પાઇલટ્સ સેવા સંચાલિત કરશે, જ્યારે સ્ટેશન કંટ્રોલર, ટિકિટિંગ કર્મચારી અને સ્ટેશન એટેન્ડન્ટ સહિત સ્ટેશન સ્ટાફમાં લગભગ 50 ટકા મહિલાઓ હશે.
પીએમઆરડીએના જણાવ્યા અનુસાર, રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (આરડીએસઓ) દ્વારા નિરીક્ષણ પૂર્ણ થયા બાદ મેટ્રોને અંતિમ સલામતી મંજૂરી મળી ગઈ છે. સ્ટેશનોની સુરક્ષા માટે મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના 350 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે.