પુણે: કોન્સ્ટેબલે દારૂના નશામાં કાર હંકારીને પુણેના પોલીસ કમિશનરના બંગલોના ગેટ સાથે અથડાવી હતી, જેને પગલે તેને તાબામાં લેવાયો હતો. કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પોલીસ કમિશનરના સત્તાવાર નિવાસ્થાને મંગળવારે સાંજે આ ઘટના બની હતી, જેમાં કોઇને પણ ઇજા થઇ નહોતી.
કોન્સ્ટેબલ કારમાં એકલો જ હતો અને તેણે કાર હંકારીને પોલીસ કમિશનરના બંગલોના ગેટ સાથે અથડાવી હતી. ઘટના સમયે કોન્સ્ટેબલ દારૂના નશામાં હતો. કોન્સ્ટેબલ વિરુદ્ધ ભૂતકાળમાંં શિસ્તભંગનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. કોન્સ્ટેબલ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલો છે. 2025માં તેને સસ્પેન્ડ કરાયો હતો અને 2026માં ફરી તેને સેવામાં લેવાયો હતો, એમ પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતો હોવાનું કહેવાય છે. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)