Tue Nov 10 2026

Logo

પુણેમાં આગમાં ૧૭ ટૂ વ્હીલર અને ચાર ફોર વ્હીલર બળીને ખાખ: એક જખમી

2026-10-29 17:59:34
Author: Sapna Desai
પુણેમાં આગમાં ૧૭ ટૂ વ્હીલર અને ચાર ફોર વ્હીલર બળીને ખાખ: એક જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પુણેમાં ચિંચવડ વિસ્તારમાં પાર્કિંગ ઍરિયામાં પાર્ક કરેલાં વાહનોમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૭ ટૂ-વ્હીલર અને ચાર ફોર વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે આગમાં એક જખમી થયો હતો.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ચિંચવડ વિસ્તારમાં ચાપેકર ચોકમાં કુનાલ માર્કેટ બિલ્િંડગમાં પાર્કિંગ લોટ આવેલો છે, જેમાં બુધવારે મોડી રાતના આગ ફાટી નીકળી હતી.

પિંપરી-ચિંચવડ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ બુધવારે મોડી રાતના ૧.૫૯ વાગે આગ લાગી હોવાનો કોલ ફાયર સ્ટેશનમાં આવ્યો હતો. એ બાદ બે ફાયર ટેન્ડર ઘટના સ્થળે  રવાના કરવામાં આવ્યા હતા.

આગ લાગી ત્યારે અમુક માણસો બિલ્િંડગના ઉપરના માળા પર ફસાયેલા હતા. તેથી તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે ફાયરબિગ્રેડે તરત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આગ બુઝાવવાની કામગીરી સાથે જ ઉપર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમ્યાન એક વ્યક્તિ જખમી થયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ આગમાં ૧૭ ટૂ-વ્હીલર અને ચાર ફોર વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. ૧૭ વાહનોમાંથી અમુક વાહનો ઈલેક્ટ્રિકલ હતા. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.