Tue May 26 2026

Logo

ટ્રમ્પ અને ટોચના અધિકારીઓને અમેરિકામાં મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પ્રવેશતા રોકવા થઈ રહી છે હિલચાલ!

Wasington dc   2 months ago
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ યૉર્કઃ અમેરિકામાં ખેલકૂદની મોટી ટૂર્નામેન્ટ કે ચૅમ્પિયનશિપ યોજાય અને એમાં પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ તેમ જ અમેરિકાના ટોચના અધિકારીઓને આવવાની મનાઈ કરવામાં આવે એ સંભવ છે ખરું? આ સાંભળીને ખૂબ વિચિત્ર જરૂર લાગે છે, પરંતુ એક મોટી સંસ્થા એવો કાયદો બનાવવા વિચારે છે જેમાં આ અશક્યતાને કદાચ શક્યતામાં ફેરવી શકાશે.

ઇરાને છેલ્લા થોડા વર્ષો દરમ્યાન ઇઝરાયલની વિરુદ્ધમાં મધ્ય પૂર્વમાં ઘણા આતંકવાદી સંગઠનો ઊભા કર્યા તેમ જ અણુશસ્ત્રો એકઠાં કર્યા એવા દાવા સાથે અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને બે અઠવાડિયાથી ઇરાન સામે યુદ્ધે ચડ્યા છે. આ મહાયુદ્ધ અખાતના દેશોમાં ફેલાઈ ગયું હોવાથી તેમ જ દુનિયાભરમાં ક્રૂડ તેલ તથા રાંધણ ગૅસની કટોકટી સર્જાઈ હોવા બદલ ઘણા દેશો ટ્રમ્પ (Trump)ને અને અમેરિકાને જવાબદાર ગણાવી રહ્યા છે.

ઍથ્લીટો અને ખેલાડીઓને નશીલા પદાર્થોથી દૂર રાખવા વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (ડબ્લ્યૂએડીએ-WADA) નામની જે સંસ્થા સ્થપાઈ છે એના મોવડીઓ એક એવો કાયદો વિચારી રહ્યા છે જે લાગુ થતાં પ્રેસિડન્ટ ટ્રમ્પ તેમ જ અમેરિકાના ટોચના અધિકારીઓને ખેલકૂદની મોટી ઇવેન્ટમાં (ભલે એ ઇવેન્ટ અમેરિકાની ધરતી પર યોજાઈ હોય તો પણ) કદાચ હાજરી નહીં આપી શકે.

અમેરિકામાં આ ત્રણ મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ આવી રહી છેઃ આ વર્ષે ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ, 2028માં લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ અને 2034માં વિન્ટર ગેમ્સ.

વાડાની કારોબારી સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે એવી સંભાવના વચ્ચે એવી ચર્ચા છે કે અમેરિકા વાડાને બાકીની 7.3 મિલિયન ડૉલર (અંદાજે 68 કરોડ રૂપિયા)ની તોતિંગ રકમ નથી ચૂકવી એને પગલે આ નવા કાયદાની વિચારણા થઈ રહી છે. વાડાએ સંખ્યાબંધ કિસ્સામાં ડોપિંગને લગતી પ્રક્રિયાને સરખી રીતે પાર નથી પાડી એવી અમેરિકાની દલીલ છે. તાજેતરના જ એક કિસ્સામાં ચીનના કેટલાક સ્વિમરે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કર્યું હોવાનો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હોવા છતાં તેમને એક સ્પર્ધામાં ભાગ લેવાની છૂટ અપાઈ હતી.