Sat May 02 2026

Logo

CSK સામે જીત પણ PBKSના કેપ્ટન શ્રેયસ અય્યરને મોટો ફટકો! આખી ટીમને પણ દંડ

4 weeks ago
Author: Savan Zalariya
Article Image

ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 7મી મેચ ગઈ કાલે શુક્રવારે સાંજે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ(PBKS) વચ્ચે રમાઈ હતી. આ હાઈ સ્કોરિંગ મેચમાં PBKSએ 5 વિકેટથી જીત મેળવી, પરંતુ ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરને મોટો ફટકો પડ્યો છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ શ્રેયસ ઐયર પર 24 લાખનો દંડ ફટકાર્યો છે.

CSK સામેની મેચમાં PBKSની ટીમ સ્લો ઓવર રેટ જાળવવા દોષિત ઠરી છે, IPLની આ સિઝનમાં ટીમ બીજી વખત આ ગુના માટે દોષિત ઠરી છે. BCCIએ ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર  પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર સહિત PBKSની પ્લેઇંગ ઇલેવનના તમામ ખેલાડીઓ પર 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા, જે ઓછી રકમ હોય એટલો દંડ ફટકાર્યો છે.

સીઝનમાં બીજી ભૂલ
અગાઉ ગુજરાત ટાઇટન્સ (GT) સામેની PBKSની મેચમાં સ્લો ઓવર-રેટ જાળવવા બદલ ઐયરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, અને હવે CSK સામેની મેચમાં ઐયરે ફરી એ જ ભૂલ કરી છે. જેને ધ્યાનમાં રાખીને IPL ગવર્નિંગ કાઉન્સિલે ઐયરેને કડક દંડ ફટકાર્યો છે. આ વખતે ઇમ્પેક્ટ પ્લેયર સહિત PBKS ટીમના અન્ય તમામ સભ્યોને પણ દંડ કરવામાં આવ્યો છે.

IPLના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું, "મિનિમમ ઓવર-રેટના ગુનાઓ સાથે સંબંધિત IPLની આચારસંહિતાના કલમ 2.22 હેઠળ, ટીમનો આ સિઝનમાં આ બીજો ગુનો હોવાથી, ઐયરને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ ઇલેવનના બાકીના સભ્યોને છ લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા, જે ઓછી રકમ હોય તેટલો દંડ કરવામાં આવશે."

PBKSની શાનદાર જીત
શુક્રવારે સાંજે પાંચ વખતની IPL ચેમ્પિયન CSKને PBKSએ ધૂળ ચટાડી હતી, ટીમે મજબૂત ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. પહેલા બેટિંગ કરતા CSKએ પાંચ વિકેટે 209 રન બનાવ્યા હતા, ચેન્નઈના યુવા બેટર આયુષ મ્હાત્રેએ 43 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ રમી.

PBKSએ 18.4 ઓવરમાં 5 વિકેટના નુકસાન સાથે 210 રન ચેઝ કર્યા, સીઝનની સતત બીજી મેચ જીતી.   રન-ચેઝમાં PBKSના કેપ્ટન શ્રેયસ ઐયરે અડધી સદી ફટકારી, ઐયરે 29 બોલમાં 50 રન બનાવ્યા હતા.