Thu May 21 2026

Logo

સાંતેજમાં દારૂનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી ખંડણી વસૂલનાર ત્રણ પત્રકારો સામે ગુનો નોંધાયો

1 month ago
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

ગાંધીનગર:
ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ત્રણ પત્રકારો અને તેમના સ્ટાફ વિરુદ્ધ બળજબરીથી પૈસા ઉઘરાવવાનો ગુનો નોંધાયો હતો. એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે પત્રકાર સંજય પાંડે, મિતાંશુ દરજી અને અંકિત વ્યાસે તેણીનો દેશી દારૂની કોથળીઓ સાથેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને આ શખસોએ અલગ-અલગ સમયે મહિલા પાસેથી કુલ રૂ. 1,05,000 પડાવી લીધા હતા. 

પીડિત મહિલાએ અગાઉ આર્થિક તંગીને કારણે દારૂ વેચવાનો ધંધો કર્યો હતો, પરંતુ આ પત્રકારોના ત્રાસથી તેણે પોતાના દાગીના વેચીને પણ પૈસા ચૂકવ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. 

ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે મહિલાએ દારૂ વેચવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરી દીધી હોવા છતાં, આરોપીઓ અવારનવાર ફોન કરીને પૈસાની માંગણી કરતા હતા. મહિલાના પતિનું અવસાન થયા બાદ પણ આરોપીઓનો ત્રાસ ચાલુ રહ્યો હતો અને તેમના સ્ટાફના અન્ય માણસોને સાથે રાખીને વીડિયો વાયરલ કરવાના નામે બ્લેકમેલિંગ ચાલુ રાખ્યું હતું. 

આ મામલે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, સંજય પાંડે, મિતાંશુ દરજી અને અંકિત વ્યાસ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.