Tue May 26 2026

Logo

ટ્રકમાંથી 400 કરોડ રૂપિયાની લૂંટ પછી અપહરણની ફરિયાદ સાવ ખોટી: પોલીસ

3 months ago
Author: Yogesh C Patel
Article Image

નાશિક: કર્ણાટકથી મહારાષ્ટ્રમાં ટ્રકમાં લાવવામાં આવી રહેલા 400 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવ્યા પછી પોતાના અપહરણ અને મારપીટની ડ્રાઈવરે કરેલી ફરિયાદથી ખાસ્સો હોબાળો મચી ગયો હતો. જોકે આ મામલે સઘન તપાસ કર્યા પછી ડ્રાઈવરની ફરિયાદ સાવ ખોટી હોવાના નિષ્કર્ષ પર આવેલી નાશિક ગ્રામીણ પોલીસ હવે ડ્રાઈવર વિરુદ્ધ જ પગલાં લેવાનું વિચારી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં ધરપકડ કરાયેલા સાતેય આરોપીને ઈગતપુરી કોર્ટે છોડી મૂક્યા હતા અને ખોટી ફરિયાદ કરનારા ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ વિરુદ્ધ પગલાં લેવાના નિર્દેશ આપ્યા હતા.

ટ્રક ડ્રાઈવર સંદીપ પાટીલે ઘોટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદને આધારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પાટીલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ભારતીય ચલણમાંથી રદ કરાયેલી 2000 રૂપિયાની નોટો ભરેલી ટ્રક મહારાષ્ટ્ર આવી રહી હતી. આ ટ્રકમાં 400 કરોડ રૂપિયા હતા, જે મેં લૂંટ્યા હોવાનો દાવો કરી સાત જણે મારું અપહરણ કર્યું હતું અને નિર્જન સ્થળે મારી મારપીટ કરાઈ હતી, એવું ડ્રાઈવરનું કહેવું હતું.

પાટીલે દાવો કર્યો હતો કે કર્ણાટક નજીકના બેલગામ જિલ્લામાં લઈ ગયા પછી તેની મારપીટ કરીને સાતેય આરોપી ફરાર થઈ ગયા હતા. વળી, તેણે એવો દાવો પણ કર્યો હતો કે ટ્રકમાં હવાલાના રૂપિયા હતા, જે કર્ણાટકથી મહારાષ્ટ્ર લઈ જવાતા હતા.

પાટીલે તેની સાથે બનેલી કથિત ઘટનાનો વિગતવાર વીડિયો બનાવી સોશ્યલ મીડિયા પર અપલૉડ કર્યો હતો. આ ફરિયાદને ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પાટીલની મારપીટ કરવામાં સંડોવાયેલા સાતેયની ધરપકડ કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે પાટીલે વર્ણવેલી કથનીમાં કેટલાંક છીંડાં હોવાનું જણાયું હતું, જેને પગલે ટ્રકના માર્ગ, કૉલ રેકોર્ડ્સ, સમય જેવી ઝીણામાં ઝીણી બાબતોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાટીલની ફરિયાદ ખોટી હોવાનું જણાયું હતું. (પીટીઆઈ)