મુંબઈઃ વાનખેડેમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થશે જેમાં એક તરફ સૂર્યકુમાર યાદવ તથા કૅપ્ટન હાર્દિક પંડ્યાએ પંજાબના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સામે ખૂબ ચેતીને રમવું પડશે અને બીજી બાજુ મુંબઈના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટ સામે પંજાબનો ઓપનર પ્રભસિમરન સિંહ ખૂબ સંભાળીને રમશે. આજે રોહિત શર્મા ઈજાને કારણે ન રમી શકે તો તેના સ્થાને વિદર્ભના ડેનિશ માલેવારને રમવાનો મોકો અપાશે એવી ચર્ચા હતી.
પંજાબ એકમાત્ર અપરાજિત ટીમ
મુંબઈ-પંજાબ ગયા વર્ષની આઇપીએલ (IPL)ની ક્વૉલિફાયર-ટૂમાં સામસામે આવ્યા ત્યાર બાદ પંજાબની ટીમ ઘણી આગળ નીકળી ગઈ હતી અને મુંબઈ (Mumbai)એ ટૂર્નામેન્ટની બહાર થઈ જવું પડ્યુંં હતું અને આજે પણ સ્થિતિ લગભગ એવી જ છે, કારણકે ગયા વર્ષની રનર-અપ પંજાબ (Punjab) આ વખતની એકમાત્ર અપરાજિત ટીમ છે અને ત્રીજા નંબરે છે, જ્યારે મુંબઈની ટીમ ફક્ત બે પૉઇન્ટ સાથે છેક નવમા સ્થાને છે.

વાત એવી છે કે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 224 વિકેટ લેનાર ચહલ અગાઉ ચાર વખત સૂર્યકુમારને અને ચાર વખત હાર્દિકને આઉટ કરી ચૂક્યો છે. ચહલ આજે આ બેમાંથી એકની વિકેટ લેશે તો પણ પંજાબને ઘણો ફાયદો થયો કહેવાશે. બીજું, ચહલ સામે સૂર્યાનો સ્ટ્રાઇક-રેટ ફક્ત 132.00 અને હાર્દિકનો 95.00 છે.

ટ્રેન્ટ બૉલ્ટના હાથમાં પણ ખંજવાળ આવતી હશે, કારણકે તે અગાઉ પંજાબના પ્રભસિમરન સિંહની ત્રણ વખત વિકેટ લઈ ચૂક્યો છે અને બૉલ્ટ સામે પ્રભસિમરન ફક્ત 31 રન બનાવી શક્યો છે.
વાનખેડેમાં ચાર દાવમાં 220 કે વધુ રન
વાનખેડે સ્ટેડિયમમાં આ વખતે જે બે મૅચ રમાઈ એના ચાર દાવમાં 220 કે એનાથી વધુ રન બન્યા છે. 29મી માર્ચે કોલકાતાએ ચાર વિકેટે 220 રન કર્યા ત્યાર બાદ મુંબઈએ ચાર વિકેટે 224 રન કરીને મૅચ જીતી લીધી હતી. 12મી એપ્રિલે બેંગ્લૂરુએ ચાર વિકેટે 240 રન કર્યા બાદ મુંબઈની ટીમ પાંચ વિકેટે 225 રન કરી શકી હતી.
બન્નેની સંભવિત ટીમઃ
મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા/ડેનિશ માલેવાર, રાયન રિકલ્ટન/ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શેરફેન રુધરફર્ડ, મિચલ સૅન્ટનર, નમન ધીર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગઝનફર અને (12મો પ્લેયર) ટ્રેન્ટ બૉલ્ટ.
પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કૉનોલી, નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યેનસેન, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને (12મો પ્લેયર) વિજયકુમાર વૈશાક.