Wed Apr 29 2026

Logo

શું આપણે બધાને પૈસાની ફૂટપટ્ટીથી માપીએ છીએ?

1 day ago
Author: Gaurav Mashroowala
Article Image

ગૌરવ મશરૂવાળા

‘શાદી તો બરાબરવાલોં મેં હોની ચાહિએ’ એ વાક્યનો ગર્ભિત અર્થ શું છે ?

શું આપણે પરિવારના સભ્યોની સંખ્યા વિશે વાત કરી રહ્યાં છીએ? કે પછી ઉંમરની? ઘીના દીવા જેવું સ્પષ્ટ છે કે વર અને ક્ધયા બન્નેના પરિવારોનું આર્થિક બેકગ્રાઉન્ડ એકબીજાને મળતું હોવું જોઇએ એવો આ વાકયનો મતલબ છે. કોઇ પરિવાર પાસે કેટલી સંપત્તિ છે તે કેવી રીતે માપી શકાય એ તો હું જાણતો નથી. કાને પડેલી વાતો પર ભરોસો કરીને અને કુટુંબની જીવનશૈલીનું નિરીક્ષણ કરીને થોડોઘણો અંદાજ મેળવી શકાય એટલું જ. લગ્નજીવન સુખી રહે તે માટે વર અને ક્ધયા એકબીજા સાથે કમ્પેટીબલ (અનુકૂળ, સુસંગત) હોય તે જરૂરી છે પણ શું પૈસો કમ્પેટિબિલિટીનો કયાસ કાઢવા માટેનો ખરો માપદંડ હોઇ શકે?

‘ફલાણો તો બિગ શોટ છે’ એવું કોઇના માટે કહીએ ત્યારે આપણે ખરેખર શું કહેવા માગતા હોઇએ છીએ? ‘બિગ’ શબ્દ અહીં કયા અર્થમાં વપરાય છે- ઊંચાઇના કે પહોળાઇના? કે પછી લાયકાતના અર્થમાં? યા તો આપણે શું એમ કહેવા માગીએ છીએ કે ફલાણી વ્યક્તિ બહુ બુદ્ધિશાળી છે અથવા એનું દિલ બહુ મોટું છે? મોટા ભાગે તો આનો એક જ અર્થ નીકળતો હોય છે અને તે એ કે ફલાણી વ્યક્તિ બહુ માલદાર છે. એની જે પ્રકારની લાઇફસ્ટાઇલ નજરે ચડે છે તેના આધારે પણ આ પ્રકારનું તારણ નીકળતું હોય છે.

શું કોઇ પણ માણસનું સ્તર કે કદ માપવા માટે એની ધનસંપત્તિ માપદંડ બની શકે? અથવા બનવી જોઇએ? આ સવાલ માટે આપણા સૌનો પ્રતિભાવ અલગ અલગ હશે. આ પ્રશ્ર્નોના ઉત્તર આપણાં જાગૃત કે અર્ધજાગૃત મનમાંથી ઉદ્ભવશે. મોટા ભાગે જાગૃત મન એ વાત સાથે સહમત નહીં થાય કે ધનસંપત્તિના આધારે માણસનું મૂલ્યાંકન થઇ શકે છે. જોકે અર્ધજાગૃત મન કદાચ આ વાત સાથે સહમત થાય પણ ખરું. આપણે સૌએ સાક્ષી બનીને આપણું દિમાગ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું જોઇએ.

માની લઇએ કે આપણું જાગૃત મન માને છે કે માણસનું મૂલ્યાંકન એની દશ્યમાન ધનસંપત્તિના આધારે ન થવું જોઇએ. આમ છતાંય આપણું અર્ધજાગૃત મન માણસને પૈસાથી તોળવાની ચેષ્ટાને વાજબી ઠેરવશે. આ આપણી વિચારપ્રક્રિયા દર્શાવે છે. આપણને લાગે છે કે પૈસો માપદંડ ન હોવો જોઇએ. પણ અર્ધજાગૃત મન વિચારે છે કે જો વર ક્ધયા એકસરખું બેકગ્રાઉન્ડ નહીં ધરાવતાં હોય તો આર્થિક રીતે ઊતરતું પાત્ર કદાચ અસલામતી, લાલચ, વગેરેનો શિકાર બની શકે. ઓછી સંપત્તિવાળા બેકગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિ સામેના પાત્રની વધારે સંપત્તિવાળા માહોલમાં કદાચ સારી રીતે ભળી નહીં શકે.

આવી ઘણી દલીલો થઇ શકે છે. આડકતરી રીતે મન કહે છે કે માણસનું મૂલ્યાંકન પૈસા વડે કરવું યોગ્ય છે. માણસોને પૈસા વડે માપતું મન લઘુતાગ્રંથિ, તૂટેલા આત્મસન્માન અને કેટલાય કિસ્સાઓમાં સ્વજનોના પ્રેમનાં અભાવથી પીડાતું હોય છે.

જો વર અને ક્ધયા એકમેકને પ્રેમ કરતાં હશે તો પૈસાની માપપટ્ટી તેમની કમ્પેટિબિલિટી માપી શકતી નથી. કેવળ માલદાર અને કહેવાતા ‘બિગ શોટ’ કરતા સંવેદનશીલ, હૂંફ આપનારો અને બુદ્ધિશાળી માણસ એક દોસ્ત તરીકે કે પરિચિત તરીકે કયાંય બહેતર પુરવાર થાય છે. 
આનો મતલબ એવો બિલકુલ નથી કે સંપત્તિવાન લોકો પ્રેમાળ અને કાળજી લેનારા હોતા નથી.

કોઇને એની આર્થિક પરિસ્થિતિને આધારે પારખવાની વૃત્તિ આપણા ખુદના અસંતોષ અને અસલામતીનું પ્રતિબિંબ પાડે છે. બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું છે કે, ‘પૈસાથી તમામ કામ થઇ જશે એવું માનવાવાળા માણસ માટે એ બધું જ પૈસા ખાતર કરે છે એવી શંકા હંમેશાં રહેવાની.’

યૌગિક વેલ્થ

જો તમારા મનની લગામ પૈસાના હાથમાં હશે તો તમે પૈસાના ગુલામ છો. જો પૈસાની લગામ તમારા હાથમાં હશે તો પૈસો તમારો ગુલામ છે. પસંદગી તમારે કરવાની છે.