Thu May 21 2026

Logo

1 કિલો અસલી ઘીમાં તેલ-કેમિકલ ભેળવી 15 કિલો નકલી ઘી બનાવતા, સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

1 month ago
Author: Mayurkumar Patel
Article Image

સુરતઃ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે સુરત શહેર પોલીસે લાલ આંખ કરી છે. સચિન GIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કેમિકલ અને તેલના મિશ્રણથી નકલી ઘી બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે કુલ ₹35,81,530/- ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે.

SOG પોલીસને બાતમી મળી હતી કે સચિન GIDC રોડ નં. 06 પર આવેલી "સબકા ફૂડ્સ" નામની ફેક્ટરીમાં ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવે છે. આ બાતમીના આધારે  પોલીસે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ફેક્ટરીમાં મોટા પાયે મશીનરી અને પેકિંગ સાધનો મળી આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓ ભરતભાઈ ગોગનભાઈ પોલરા અને અમીન બાબુભાઈ વાઢવણિયા એ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા એક વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ 1 કિલો ચોખ્ખા ઘીમાં પામોલીન તેલ, વનસ્પતિ ઘી, એસેન્સ (કેમિકલ) અને કલર ઉમેરીને 15 કિલો નકલી ઘી તૈયાર કરતા હતા. આ ભેળસેળયુક્ત ઘીને વિદુર ઘી ના નામે આકર્ષક પેકિંગમાં સુરત સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં શુદ્ધ ગાય-ભેંસના ઘી તરીકે વેચાણ કરવામાં આવતું હતું.

પોલીસે ફેક્ટરી અને તલંગપોર સ્થિત ગોડાઉનમાંથી  નકલી ઘી બનાવવાની મશીનરી, ફીલિંગ મશીન અને પેકિંગ સાધનો, ભેળસેળયુક્ત ઘીના તૈયાર ડબ્બા અને પાઉચનો મોટો જથ્થો, રિફાઈન્ડ પામ ઓઈલ અને વનસ્પતિ ઘીના ડબ્બાઓ, રોકડ રકમ ₹2,00,000,  મોબાઈલ ફોન મળી કુલ  રૂ. 35,81,530નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 આ નકલી ઘી ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને બજારમાં કયા ભાવે વેચાતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે, જ્યારે ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓએ FSSAI ના લાયસન્સનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.