જૂઈ પાર્થ
વીણાબહેન સવારથી ટીવીની ચેનલો ફેરવતા હતાં. મન ઉચાટમાં હતું. અજાણ્યો ભય, ચિંતા જાણે કંઈક અજુગતું થવાનો આભાસ થતો હોય તેવું લાગતું હતું એમને. પહેલી વાર એ શાકમાં મીઠું નાખવાનું ભૂલી ગયા હતાં, દીવા બત્તી મોડા કર્યા હતાં, અરે સવારની ચા પણ માંડ ગળે ઉતારી હતી. એ પોતે પણ સમજી નહોતા શકતા કે એમને થયું છે શું! વીણાબહેન, મન ક્યાં અટવાયું છે એ જાણવાની મથામણ કરી રહ્યા હતાં. યાદ કરતાં હતાં કે એવું તે શું થયું કે તેમનું મન આટલું વ્યગ્ર હતું અચાનક જ તેમને યાદ આવ્યું કે ગઈકાલે રાત્રે સૂતા પહેલાં તેમણે એક જ્યોતિષીનો વીડિયો જોયો હતો, જેમાં એણે પ્રલય, વિશ્વયુદ્ધ, મહામારી, ભૂકંપ, પરગ્રહવાસીઓ વગેરેની વાતો કરી હતી. આ બધું જોઈ એમના જાગ્રત મને નકારી નાખ્યું કે ના, ના આવું તો કંઈ નઈ થાય, પરંતુ વીણાબહેનનાં અર્ધચેતન મનમાં આ વાત ઘર કરી ગઈ અને એમનો અજંપો અજાણતા તેમનાં પર હાવી થતો ગયો. સવારથી તે વિચારે ચડ્યા હતાં કે ચાલને આજે દીકરીને બોલાવીને મળી લઉં, મારા ગિરિધર ગોપાલનાં મંદિરે તો વર્ષોથી નથી ગઈ તો ત્યાં જઈ આવું, અરે પેલી બૅંકમાં સહી કરવાની પણ બાકી છે, અને પેલા દરજીનાં પૈસા વગેરે વગેરે વીણાબહેનનું મન જાણે જીવનનાં છેલ્લા દિવસો ગણતું હોય એવા એવા બાકી રહેલા કામ યાદ કરીને પૂરું કરવાની પેરવીમાં હતાં. અને એમાં ચેનલોય ફર્યા કરી, મીઠું ભૂલાઈ ગયું ને અજંપો વધતો જ ગયો. એમણે મનમાં ધારવા માંડ્યું હતું કે દુનિયાનો અંત આવી જશે તો?
આપણી પાસે ખૂબ સમય છે એમ માનીને આપણામાંથી કેટલા બધા લોકોને કામ ટાળવાની આદત હોય છે.
કાલે કરીશ, પછી વાત, ના અત્યારે કંટાળો આવે છે, ભાઈબંધને ફોન કરવાનો છે, ટીવીમાં સમાચાર જોવાના છે, પહેલા જમી લઈએ, નીચે આંટો મારી આવું ...આવાં આવાં અવનવા બહાના હેઠળ કામ પાછુ ઠેલાતું જાય છે.
‘કલ કરે સો આજ કર, આજ કરે સો અભી’ એ કહેવતથી આપણે તેનાથી સાવ વિપરીત વર્તન કરીએ છીએ. જો આપણે નિર્ધારીત કામ જાતે કરવાનાં જ હોય તો પછી તેને ટાળવાનાં કેમ?
કાર્યમાં કુદરતી રીતે બાધાઓ આવી, વિલંબ થાય એ અલગ વાત છે અને પોતાનાં કારણે વિલંબ થાય એ વાત અલગ છે. કામને ટાળવાનાં અનેક કારણો હોઈ શકે. એમાં સૌથી પહેલું અને મુખ્ય કારણ આળસ અને કંટાળો. આપણે આપણી દિનચર્યા જોઈએ તો એવાં કેટલા બધાં કામ હશે જે આપણાં કામની યાદીમાં છે જ પણ થયા નથી હોતા. આપણે આખો દિવસ નવરા બેસી રહ્યા હોઈએ તો પણ, કે પછી વ્યસ્ત હોવા છતાં એ કામ માટે સમય કાઢી શક્યા હોત પણ કામ કરવા કરતાં આપણે મોબાઈલ પર ગેમ રમવું વધારે પસંદ કર્યું. આમ, ફક્ત આળસનાં કારણે દિવસોનાં દિવસો વીતી જાય ને કામ થયા વિનાનું જ રહે.
બીજું કારણ છે સમયનો અભાવ કે અતિશય વ્યસ્તપણું. આધુનિક સમયમાં કોઈને કોઈના માટે કે પોતાના માટે પણ સમય નથી ત્યારે કામ માટે શું સમય હોય! આમ, નિયત સાફ હોય પણ વ્યસ્તતાનાં કારણે ધારેલા કામ ના કરી શકાતાં હોય એવું પણ બને.
ત્રીજું કારણ છે સ્ત્રોતનો અભાવ. આપણી પાસે સમય હોય, કામ કરવું પણ હોય પરંતુ જો કામ કરવા યોગ્ય સામગ્રી/સ્ત્રોત ના હોય તો ઈચ્છા હોવા છતાં તે સમયે કામ કરી શકાતું નથી, તેને ટાળી બીજા કોઈ દિવસ પર જ છોડવું પડે છે.
ચોથું કારણ છે જવાબદારી. ઘણીવાર આપણે જવાબદારીઓનાં બોજા હેઠળ એવા દબાયેલા હોઈએ છીએ કે ધારેલું કામ ધાર્યા સમયે પાર નથી પાડી શકતાં.
પાંચમું કારણ છે શારીરિક-માનસિક અસ્વસ્થતા. કોઈ કારણોસર સાજા-માંદા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે કાર્ય ક્ષમતા ઓછી થઈ જાય છે અને પરિણામે નાછૂટકે કામ ટાળવાનો વારો આવે છે.
છઠ્ઠું અને અત્યંત મહત્ત્વનું કારણ છે સમય વ્યવસ્થા એટલે કે ટાઈમ મેનેજમેન્ટનો અભાવ. કહેવાય છે કે જે વ્યક્તિ સમય સાચવે છે, સમય તેને સાચવે છે. અને જો કામ ટાળીએ છીએ તો સમય આપણને ટાળે છે.
આપણા જીવનની નિયમિતતા, સમયસૂચકતા, સમયને માન આપવાની કળા, સમય સાચવવાની આવડતને જો અપનાવીને આત્મસાત્ કરી લઈએ તો ક્યારે પાછીપાની નથી કરવી પડતી અને કામમાં હંમેશાં ફતેહ થાય છે. બાકી તો વીણાબહેનની જેમ વિચારે ચડી જવાય ને કામનો બોજો વધતો જાય ત્યારે વિચારો પણ નબળા થતાં જાય છે.
કામ ટાળવાથી હકીકતે કોઈવાર કામ જ નથી થતું, આજે નહીં, કાલે નહીં ને ક્યારેય નહીં. કામ ન થવાનાં કારણે નકારાત્મકતા પણ ઊભી થાય છે અને આનો એક જ ઉપાય કે જાગ્યા ત્યારથી સવાર, આ વંચાઈ ગયું હોય તો કામે ચઢો ચઢીએ?!
આ વિશે બોલો, તમે શું કહો છો?