Mon Nov 16 2026

Logo

પ્રકાશ રાજ સાથે લગ્ન અંગે પોની વર્માએ હવે કર્યો નવો ખુલાસો: 12 વર્ષનો તફાવત પણ...

2026-11-02 14:58:00
Author: Mumbai Samachar Team
પ્રકાશ રાજ સાથે લગ્ન અંગે પોની વર્માએ હવે કર્યો નવો ખુલાસો: 12 વર્ષનો તફાવત પણ...

મુંબઈ: સાઉથ અને બોલિવૂડના જાણીતા અભિનેતા પ્રકાશ રાજ અને તેમની કોરિયોગ્રાફર પત્ની પોની વર્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પોની વર્માએ પોતાના લગ્નજીવન, 12 વર્ષના ઉંમરના તફાવત અને પ્રકાશ રાજની પહેલી પત્નીની દીકરીઓ (સાવકી દીકરીઓ) સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.

પ્રકાશ રાજ કરતાં 12 વર્ષ નાની પોનીએ જ્યારે તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે તેમના ઘણા મિત્રો નારાજ થયા હતા. જોકે, પોની માટે આ ઉંમરનો તફાવત ક્યારેય મુશ્કેલી બન્યો નથી. તાજેતરના ઇન્ટરવ્યૂમાં તેમણે લગ્નજીવનથી લઈને સાવકી દીકરીઓ સાથેના સંબંધો સુધી અનેક રસપ્રદ વાતો જણાવી છે.

પ્રકાશ રાજની પત્ની અને જાણીતી કોરિયોગ્રાફર પોની વર્માએ જણાવ્યું કે જ્યારે તેમણે પ્રકાશ રાજ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેમના ઘણા મિત્રો આ નિર્ણયથી ખુશ નહોતા. મિત્રોનું માનવું હતું કે તે પોતાના કરતાં 12 વર્ષ મોટા વ્યક્તિ સાથે લગ્ન કેમ કરી રહી છે? પરંતુ પોનીને પોતાના નિર્ણય પર પૂરો વિશ્વાસ હતો. 

તેણે કહ્યું હતું કે પ્રકાશ રાજ તેમના જીવન, પરિવાર, વિચારો અને સંઘર્ષને સારી રીતે સમજી શકે છે. તેમના મતે, આ ઉંમરનો તફાવત તેમના સંબંધની નબળાઈ નહીં, પરંતુ એક ખાસિયત છે. પોનીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે પ્રકાશ રાજ તેમના જીવનમાં શાંતિ અને સુકૂન લઈને આવ્યા છે. તેમના આવ્યા પછી પોનીને જીવન વિશે વધુ નિશ્ચિંતતા અનુભવાઈ છે.

પોનીના જણાવ્યા અનુસાર, પ્રકાશ રાજે તેમને સમજાવ્યું કે જીવનમાં કંઈ પણ પૂરું થઈ જતું નથી અને સમયની કોઈ કમી નથી. બધું યોગ્ય સમયે સારું થઈ શકે છે. પોનીએ એમ પણ કહ્યું કે પ્રકાશ જેવા જીવનના અનુભવોમાંથી પસાર થયેલી વ્યક્તિ જ તેમને આટલી સારી રીતે સમજી શકે છે. 

પ્રકાશ રાજની પહેલી પત્ની લલિતા કુમારીથી બે દીકરીઓ મેઘના અને પૂજા છે. પોની વર્માએ જણાવ્યું કે બંને દીકરીઓ સાથે તેમનો સંબંધ શરૂઆતથી જ ખૂબ સારો રહ્યો છે. ખાસ વાત એ છે કે પ્રકાશ રાજ અને પોનીના લગ્ન વખતે બંને દીકરીએ તેમનો સાથ આપ્યો હતો. લગ્નની હલદી અને મહેંદીની વિધિમાં પણ બંનેએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

પોનીએ યાદ કરતાં કહ્યું કે લગ્નના દિવસે બંને દીકરી તેમની સામે ઊભી હતી અને પિતાના હાથમાં મહેંદી લગાવી રહી હતી. આજે પણ પરિવાર વચ્ચે ખૂબ પ્રેમ અને લાગણી છે. દર વર્ષે ડિસેમ્બરમાં આખો પરિવાર સાથે સમય પસાર કરે છે અને દરેક ખાસ પ્રસંગની ઉજવણી સાથે કરે છે.પોનીએ જણાવ્યું કે પ્રકાશ રાજે તેમને પ્રભાવિત કરવા માટે ક્યારેય દેખાડો કર્યો નહોતો. તેઓ હંમેશાં જેવા હતા એવા જ તેમની સામે રહ્યા હતા. 

પ્રકાશ રાજની સાદગી અને દિલની વાત સ્પષ્ટ રીતે કહેવાની તેમની રીત પોનીને ખૂબ પસંદ આવી હતી.પ્રકાશ રાજ અને પોની વર્માએ 24 ઓગસ્ટ 2010ના એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ વર્ષ 2016માં તેમના ઘરે દીકરા વેદાંતનો જન્મ થયો હતો.

સૌથી મહત્ત્વની વાત એ છે કે વર્ષ 2021માં પોતાની 11મી લગ્નની વર્ષગાંઠ પર બંનેએ ફરી એકવાર લગ્નની વિધિઓ કરી હતી. આ વખતે તેમનો દીકરો વેદાંત પણ માતા-પિતાનાં લગ્ન જોઈ શકે તે માટે બંનેએ ફરીથી લગ્ન કર્યા હતા. આજે પ્રકાશ રાજ અને પોની વર્માનો પરિવાર પ્રેમ, સમજણ અને એકબીજાના સાથ સાથે આગળ વધી રહ્યો છે.

વધુ જુઓ...