Tue Nov 10 2026

Logo

પ્રદીપ પુર્ણેકર હત્યાકેસ:  પરિવારે થાણેનાં ભૂતપૂર્વ મેયર, તેમના પતિની ધરપકડની માગણી કરી...

2026-10-26 18:12:30
Author: Yogesh D. Patel
પ્રદીપ પુર્ણેકર હત્યાકેસ:  પરિવારે થાણેનાં ભૂતપૂર્વ મેયર, તેમના પતિની ધરપકડની માગણી કરી...

થાણે: શિવસેના (યુબીટી)ના નેતા પ્રદીપ પુર્ણેકરના પુત્રએ સોમવારે તેના પિતાની હત્યાના કેસમાં થાણેનાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદે અને તેમના પતિ રાજેન્દ્ર શિંદેની ધરપકડની માગણી કરી હતી અને ચેતવણી આપી હતી કે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

અહીં પત્રકાર પરિષદમાં વીડિયો ક્લિપ્સ અને ફોટા રજૂ કરતાં પ્રદીપ પુર્ણેકરના પુત્ર રામ પુર્ણેકરે આક્ષેપ કર્યો હતો કે ફૂટેજમાં દેખાતી હેલ્મેટ પહેલી વ્યક્તિએ કદાચ એવાં જ કપડાં અને પગરખાં પહેરેલાં છે, જે ઘટનાના થોડા કલાકો પહેલા રાજેન્દ્ર શિંદેએ પહેરેલાં હતાં.

તેણે દાવો કર્યો હતો કે રાજેન્દ્ર શિંદે ધરપકડ કરાયેલા ચાર શકમંદો સાથે ચા પીતો જોવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પ્રદીપ પુર્ણેકરની 29 સપ્ટેમ્બરે પક્ષના કાર્યાલયની બહાર હત્યા કરવામાં આવી હતી અને આ કેસમાં પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. રામ પુર્ણેકરે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના સાથે જોડાયેલાં થાણેના ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદે અને તેમના પતિ પર ગુનાનું કાવતરું ઘડવાનો આરોપ કર્યો છે. 

મીનાક્ષી શિંદેએ આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમના પતિ રાજેન્દ્રની આ કેસમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.રામ પુર્ણેકરે કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાને મારા પરિવારને ખાતરી આપી હતી કે ન્યાય મળશે, પરંતુ હજી સુધી કોઇ નક્કર પગલાં લેવાયાં નથી. (પીટીઆઇ)