શું રેલવે પ્રશાસન 2017ની 'એલ્ફિન્સ્ટન રોડ' જેવી હજી એક દુર્ધટનાની રાહ જોઈ રહ્યું છે?
મુંબઈ: મુંબઈના પ્રભાદેવી રેલવે સ્ટેશન પર મુસાફરોની અવરજવર સરળ બનાવવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા દક્ષિણ દિશાના ફૂટ ઓવરબ્રિજ (FOB) તરફ જતી સીડીઓનો પ્રવેશદ્વાર પહોળો કરવામાં આવ્યો છે. બ્રિજ તરફ જવાની સીડીઓનો એન્ટ્રી પોઈન્ટ અગાઉ જે 2.1 મીટર પહોળો હતો તેને વધારીને પાંચ મીટરનો કરાયો છે. આ ફેરફારથી ખાસ કરીને પીક અવર્સ દરમિયાન મુસાફરોને પ્રવેશવા અને બહાર નીકળવામાં ચોક્કસ રાહત મળી રહી છે.
સીડીઓનો પ્રવેશદ્વાર પહોળો કરવા માટે તેની બાજુમાં આવેલા ત્રણ ટોયલેટ યુનિટ દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી માટે જરૂરી પરવાનગી સાથે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ મેળવવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, એન્ટ્રી પોઈન્ટ પાસે વધારાની જગ્યા મળવાથી મુસાફરોની અવરજવર વધુ સરળ બની છે.
જોકે, પ્રવેશદ્વાર પહોળો કરાયા છતાં પીક અવર્સ દરમિયાન ભીડની મૂળ સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ નથી. પ્લેટફોર્મ અને ફૂટ ઓવર બ્રિજને જોડતી મુખ્ય સાંકડી સીડીઓ મુસાફરો માટે હજુ પણ મોટો અવરોધ અને માથાનો દુખાવો બની રહી છે. એન્ટ્રી પરથી તો મુસાફરો ઝડપથી અંદર આવી જાય છે, પરંતુ આગળ જવાની સીડીઓ સાંકડી હોવાના કારણે એક સાથે ઉપર જતા અને નીચે આવતા મુસાફરો ભટકાતા જાય છે.
મુસાફરોના જણાવ્યા મુજબ, બંને પ્લેટફોર્મ પર એકસાથે ટ્રેન આવે ત્યારે મોટી સંખ્યામાં લોકો સીડીઓ તરફ આગળ વધે છે, જેના કારણે સીડીઓ પર ફરીથી ભારે ભીડ સર્જાય છે. કેટલાક મુસાફરોએ સૂચન કર્યું છે કે સાંકડી સીડીઓ પર યોગ્ય બેરિકેડિંગ અને ઉપર-નીચે જતા મુસાફરો માટે અલગ માર્ગવ્યવસ્થા કરવામાં આવે તો પરિસ્થિતિમાં વધુ સુધારો થઈ શકે છે.
૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ના મુંબઈના તત્કાલીન એલ્ફિન્સ્ટન રોડ (હાલનું પ્રભાદેવી) અને પરેલ રેલવે સ્ટેશનને જોડતા ફૂટ ઓવર બ્રિજ પર સર્જાયેલી કરૂણ નાસભાગ મુંબઈની લોકલ રેલવે વ્યવસ્થાના ઈતિહાસનો સૌથી ભયાનક દિવસ બની ગયો હતો. સવારના વ્યસ્ત સમયે અચાનક પડેલા ભારે વરસાદથી બચવા માટે સેંકડો મુસાફરો આ જૂના અને સાંકડા કવર્ડ બ્રિજ પર રોકાઈ ગયા હતા, જે એ સમયે એકસાથે અનેક ટ્રેનો આવતા પ્લેટફોર્મ પરથી પ્રવાસીઓનો મોટો ધસારો બ્રિજ તરફ થયો હતો. ભારે ગૂંગળામણ વચ્ચે બ્રિજ તૂટવાની અફવા ફેલાતાં ભયભીત ભીડમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં ૨૩ લોકોના મોત થયા હતા અને ૩૯થી વધુ પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મુંબઈની ઓવરક્રોડેડ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખોલનારી આ ઘટના બાદ ભારે જાહેર આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના પરિણામે રેલવે પ્રશાસન દ્વારા ભારતીય સેનાની મદદ લઈને ઝડપી ધોરણે નવા પહોળા બ્રિજનું નિર્માણ કરવું પડ્યું હતું. પણ હવે આ નવો બ્રિજ ભલે પહોળો હોય પણ અહીંની સાંકડી સીડીઓ મુસાફરોનો ભાર ધસારાના સમયે ખમી શકે તેવી નથી તેમાં જો આવી કોઈ દુર્ઘટના થાય તો આ વખતે તે સીડી પર બની શકે છે, તેવી શક્યતા પણ નકારી શકાય નહિ.
દરમિયાન, ભીડ નિયંત્રણ માટે આરપીએફના જવાનોની હાજરીમાં વધારો થયો હોવાનું મુસાફરોએ જણાવ્યું છે. રેણુ ચૌધરી સહિતના મુસાફરોના જણાવ્યા મુજબ, એન્ટ્રી પોઈન્ટ પર આરપીએફની હાજરીને કારણે મુસાફરોને વ્યવસ્થિત રીતે પ્રવેશવા અને બહાર નીકળવામાં મદદ મળી રહી છે તથા ભીડને નિયંત્રિત કરવામાં સહાય થઈ રહી છે.
મુસાફરોનું સ્પષ્ટપણે કહેવું છે કે માત્ર સીડીઓનો પ્રવેશદ્વાર પહોળો કરવો એ એક અંશતઃ રાહતરૂપ પગલું છે, પરંતુ પીક અવર્સની ભીડને સંપૂર્ણપણે હળવી કરવા માટે આ પૂરતું નથી. જ્યાં સુધી સીડીઓની પોતાની પહોળાઈ વધારવામાં નહીં આવે અથવા નવી વધારાની સીડીઓ બનાવવામાં નહીં આવે, ત્યાં સુધી પ્રભાદેવી સ્ટેશન પર મુસાફરોની અવરજવર સંપૂર્ણપણે સુગમ બની શકશે નહીં.