Wed Nov 11 2026

Logo

ગુજરાતમાં વીજ સંકટના વર્તારા: ગામડાઓ પછી ઔદ્યોગિક ક્ષેત્રે વીજકાપ, કેન્દ્ર સરકાર પાસે 1,000 મેગાવોટ વીજળીની માગ

2026-10-17 19:53:00
Author: Mayur Patel
ગુજરાતમાં વીજ સંકટના વર્તારા: ગામડાઓ પછી ઔદ્યોગિક ક્ષેત્રે વીજકાપ, કેન્દ્ર સરકાર પાસે 1,000 મેગાવોટ વીજળીની માગ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસામાં પૂરતો વરસાદ નહીં થતાં દિવાળી પહેલાં જ વીજ સંકટ ઘેરાયું છે. ગામડાંઓમાં અંધારપટ બાદ હવે ઉદ્યોગો પર 8 કલાકનો વીજકાપ લાદવામાં આવ્યો છે, જેના પરથી શહેરોમાં પણ સંકટના એંધાણ મળી રહ્યા છે. ઓક્ટોબરમાં જ વીજમાગે રેકોર્ડ તોડ્યો હતો. રાજ્યની પીક વીજમાગ 29,822 મેગાવોટ સુધી પહોંચી હતી. આ ઓક્ટોબર દરમિયાન અત્યાર સુધી નોંધાયેલી સૌથી વધુ માગ નોંધાઈ છે અને આંકડો ઉનાળાના જૂન મહિનામાં નોંધાયેલા ઊંચા સ્તર કરતાં પણ વધુ છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના પીક અવર્સ દરમિયાન અવારનવાર વીજળી ડૂલ થવાની ઘટનાઓ વધી રહી છે. વીજ અછતને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા અનિવાર્યપણે લોડ શેડિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેની સીધી અસર હવે સામાન્ય જનજીવન અને ઔદ્યોગિક ઉત્પાદન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. 

રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં જ કાળઝાળ ગરમીના કારણે ઘરો, ખેતી અને ઉદ્યોગોમાં વીજળીનો વપરાશ ખૂબ વધી ગયો છે. દિવસે સોલાર અને પવન ઊર્જાથી વીજળી મળી રહે છે, પરંતુ સૂર્યાસ્ત પછી સોલાર ઉત્પાદન બંધ થઈ જતાં સાંજના સમયે વીજળીની અછત સર્જાય છે. સાંજના સમયની આ ઘટ પૂરી કરવા રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વધારાની 1,000 મેગાવોટ વીજળી માંગી છે, જેના પર કેન્દ્ર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

છેલ્લા 8 દિવસથી ગ્રામ્ય પંથકોમાં 15 મિનિટથી માંડીને 1 કલાક સુધીનો અઘોષિત વીજકાપ લાદવામાં આવી રહ્યો છે. સાંજના સમયે વીજળી ગૂલ થવાને કારણે ગ્રામજનોને દીવા સળગાવીને રાત કાઢવી પડી રહી છે.  સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ વપરાશ રેકોર્ડબ્રેક 10,000 મેગાવોટને વટાવી ગયો છે. 
આશ્ચર્યજનક રીતે, માત્ર એક જ સપ્તાહની અંદર આ વપરાશમાં 2,000 મેગાવોટ જેટલો તોતિંગ ઉછાળો નોંધાયો છે. જો પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ નહીં આવે તો ગ્રામીણ વિસ્તારો બાદ હવે સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં પણ વીજકાપ ઝીંકવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

વીજ સંકટનું મોજું હવે રાજ્યના ઔદ્યોગિક એકમો સુધી પહોંચી ગયું છે. વીજ કંપનીઓ દ્વારા વિવિધ જિલ્લાઓમાં અઠવાડિયાના ચોક્કસ દિવસોમાં વીજકાપ લાદવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર અને હાલોલમાં 20 ઓક્ટોબરના સાંજે 4:00થી રાત્રે 12:00 વાગ્યા સુધી વીજ પુરવઠો ફરજિયાત બંધ રાખવાની સૂચના અપાઈ છે, જ્યારે પાટણમાં દર રવિવારે સાંજે 4:00 થી રાત્રે 12:00 વાગ્યા સુધી 8 કલાક સુધી વીજકાપ અમલી રહેશે. 
જામનગરમાં પીજીવીસીએલ દ્વારા દર શુક્રવારે સાંજે 4:00 થી રાત્રે 11:00 વાગ્યા સુધી વીજકાપની નોટિસ આપવામાં આવી છે. સાબરકાંઠામાં 20 ઓક્ટોબરે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં વીજકાપ રહેશે અને આગળની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અઠવાડિયામાં એક દિવસ વીજકાપ ચાલુ રહેશે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ઉત્પાદનમાં મર્યાદાઓ અને વધતી માંગ વચ્ચે વીજ અછતનું કારણ આગળ ધરીને નિયત ઔદ્યોગિક ફીડરો પર સાંજે 4:00 વાગ્યાથી મધ્યરાત્રિના 12:00 વાગ્યા સુધી વીજકાપની જાહેરાત કરવામાં આવી છે. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે. 
સુરત અને દક્ષિણ ગુજરાતમાં દિવાળીના ઓર્ડરના ટાણે 8 કલાકના વીજકાપથી વેપારીઓમાં રોષ ફેલાયો છે. વેપારીઓ મુજબ તહેવારોના આવા સમયે સર્જાયેલી વીજ કટોકટી ઉત્પાદનને ખોરવી નાખશે, ડિલિવરીમાં વિલંબ કરશે અને લાખો શ્રમિકોની રોજીરોટીને જોખમમાં મૂકશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિવાળી નજીક આવી રહી હોવાથી ઉદ્યોગોએ ઓર્ડર પૂરા કરવાના હોય છે, માલ રવાના કરવાનો હોય છે અને બજારમાંથી પેમેન્ટ વસૂલવાનું હોય છે. આ અચાનક લેવાયેલા નિર્ણયથી ટેક્સટાઈલ વેપારીઓની તહેવારોની સીઝન બરબાદ થઈ જશે. ઉપરાંત સાંજે 4:00થી રાત્રે 12:00 વાગ્યા સુધીના સમયપત્રકને કારણે દિવસ અને રાત બંને શિફ્ટની કામગીરી ખોરવાઈ જશે, જેના કારણે સાંજના અત્યંત મહત્વપૂર્ણ કલાકો દરમિયાન થતી ઉત્પાદન, પેકિંગ અને ડિસ્પેચની પ્રક્રિયાઓને સીધો ફટકો પડશે.

સૂત્રોએ ઉમેર્યું કે, જો વીજ બચત કરવી અનિવાર્ય જ હોય, તો શટડાઉનનો સમય સાંજે 7:00થી સવારે 7:00 વાગ્યા સુધીનો રાખવો જોઈએ. જેથી કરીને ઉદ્યોગો દિવસ દરમિયાન ઉત્પાદન અને માલની હેરફેર ચાલુ રાખી શકે. કોઈ ચર્ચા-વિચારણા કે સામાન્ય પુરવઠો પુનઃસ્થાપિત કરવાના સ્પષ્ટ રોડમેપ વિના વીજ ઉત્પાદનની મર્યાદાઓનું પરિણામ ભોગવવા માટે ઉદ્યોગોને મજબૂર ન કરવા જોઈએ.