ભુજઃ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દેશભરના શિવભક્તો માટે ભારતીય ડાક વિભાગ દ્વારા એક વિશેષ અને સુવિધાજનક પહેલ શરૂ કરવામાં આવી છે. હવે શિવભક્તો પોતાના ઘરેબેઠા જ સ્પીડ પોસ્ટ મારફતે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ અને શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પવિત્ર પ્રસાદ મંગાવી શકશે.
ગુજરાત સર્કલના પોસ્ટલ હેડક્વાર્ટરના પદાધિકારીના જણાવ્યા મુજબ, શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ડાક વિભાગ વચ્ચે થયેલા કરાર હેઠળ 'મેનેજર, સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો જૂનાગઢ, પિન-362268'ના સરનામે રૂપિયા 270નો ઈ-મનીઓર્ડર મોકલીને પ્રસાદ મંગાવી શકાશે. આ પેકેટમાં 200 ગ્રામ બેસનના લાડુ, 100 ગ્રામ તલની ચિક્કી અને 100 ગ્રામ માવાની ચિક્કીનો સમાવેશ થાય છે.
આ જ રીતે, શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મેળવવા માટે નજીકની પોસ્ટ ઓફિસમાંથી 'પ્રવર અધિક્ષક ડાકઘર, વારાણસી (પૂર્વ) મંડળ - 221001'ના નામે રૂપિયા 251નો ઈ-મનીઓર્ડર કરવાનો રહેશે. કાશી વિશ્વનાથના પ્રસાદ પેકેટમાં જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુજંય યંત્ર, શિવ ચાલીસા, 108 દાણાની રુદ્રાક્ષ માળા, બેલપત્ર, શિવજીની છબીવાળો સિક્કો, ભભૂતિ, રક્ષા સૂત્ર તેમજ સુકો મેવો અને મિશ્રી સામેલ છે. ભક્તોએ ઈ-મનીઓર્ડર ફોર્મમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઈલ નંબર અચૂક લખવાનો રહેશે.