Sun Nov 15 2026

Logo

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના રાજીનામાને લઈને સામે આવી પુનમ પાંડેની પ્રતિક્રિયા, કહ્યું કે કોઈ પણ...

2026-10-17 22:43:28
Author: Darshana Visaria
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના રાજીનામાને લઈને સામે આવી પુનમ પાંડેની પ્રતિક્રિયા, કહ્યું કે કોઈ પણ...

દેશભરમાં હાલ સીજેપી પ્રોટેસ્ટને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે અને વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. આ પ્રદર્શનોમાં જ્ઞાનેશ્વર કુમારના રાજીનામા ઉપરાંત કેટલાક લોકો દ્વારા સીધા વડાપ્રધાનના રાજીનામાની માગ પણ ઉઠાવવામાં આવી રહી છે. બીજી તરફ બોલિવૂડમાં પ્રોડ્યુસર એકતા કપૂરે ઇન્ડસ્ટ્રીને 'હિંદુફોબિક' ગણાવ્યા બાદ વિવાદ વકર્યો છે. આ તમામ ગરમાયેલા મુદ્દાઓ વચ્ચે હવે મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડેએ પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે.

બોલીવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં ખુલીને વાત કરી છે અને વિરોધ કરનારાઓને આડે હાથ લીધા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પૂનમે કહ્યું કે કોઈ પણ ઊઠીને આવી જાય છે અને દેશના વડા પ્રધાનનું રાજીનામું માગવા લાગે છે, શું તેઓ કોઈના પાડોશી છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પૂનમ પાંડે મીડિયા સાથે વાતચીત કરતાં ભારે નારાજગી વ્યક્ત કરતી જોવા મળે છે. પૂનમ પાંડેએ જણાવ્યું હતું કે આ દેશની મજાક ઉડાવવા સિવાય બીજું કંઈ નથી. જેનું મન થાય તે સીધું ઊભું થઈને માગણી કરે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજીનામું આપો. શું પીએમ તમારા ઘરના સભ્ય છે? કોણ છે તેઓ? તમારા પાડોશી છે શું? તેઓ ભારત દેશના વડા પ્રધાન છે. તેમનું પદ અને નામ તો જુઓ. આવી રીતે કંઈ દેશ ચાલતો હશે?

આ ઉપરાંત ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતા સીરિયલ મેકર એકતા કપૂરના નિવેદન અંગે પૂછવામાં આવતાં પૂનમ પાંડેએ જણાવ્યું હતું કે શું હું મંદિરે નથી જઈ શકતી? હું એક કટ્ટર હિન્દુ છું અને મને હનુમાન ચાલીસા આવડે છે. મારા કામને મારા ધર્મ સાથે ન જોડો. જો એકતા કપૂર પોતાના ધર્મનું પાલન કરી રહી હોય તો તેમાં કોઈને શું વાંધો હોઈ શકે?

તાજેતરમાં પ્રોટેસ્ટમાં સામેલ થવાને કારણે ચર્ચામાં આવેલા અભિનેતા ઇમરાન ખાન અંગે પૂનમે કહ્યું કે જ્યાં સુધી તે જાણે છે ત્યાં સુધી ઇમરાન ખાન અમેરિકન નાગરિક છે. પૂનમે જણાવ્યું કે ઇમરાન એક શાનદાર એક્ટર છે અને તેમના પ્રત્યે આદર છે, પરંતુ જો તેઓ અમેરિકન નાગરિક હોય તો દેશની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી જોઈએ. દેશમાં પહેલેથી જ ઘણું ડ્રામા ચાલી રહ્યું છે. પ્રદર્શનમાં જોડાયેલા અડધાથી વધુ લોકોને એ ખબર જ નથી કે તેઓ શા માટે અને કયા મુદ્દે લડી રહ્યા છે.