(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મહાલક્ષ્મી મંદિર નજીક તિરુપતિ અપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ પ્લસ બેઝમેન્ટમાં રહેલી બે દુકાનના સ્લેબ તૂટી પડયા હોવાનો બનાવ રવિવારે વહેલી સવારે બન્યો હતો. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.
ડિઝાસ્ટર કંટોલના જણાવ્યા મુજબ ભુલાભાઈ દેસાઈ રોડ પર મહાલક્ષ્મી મંદિર નજીક તિરુપતિ અપાર્ટમેન્ટ આવેલું છે. રવિવારે વહેલી સવારના લગભગ ૨.૫૩ વાગ્યાની આસપાસ અપાર્ટમેન્ટના બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ ફ્લોરની બે દુકાનમાં એસી શીટ અને આરસીસી સ્લેબ (સિલિંગ)નો ભાગ તૂટી પડયો હતો. બે દુકાનમાં એક રેડીમેડ કપડાનું બુટિક હતું તો બીજી દુકાન મીઠાઈવાલાની હતી.
સદ્નસીબે વહેલી સવારના દુર્ઘટના ઘટી હતી એ સમયે દુકાન બંધ હોવાથી તેમાં કોઈ હાજર ન હોવાને કારણે કોઈ જખમી થયું નહોતું.