Sat Nov 07 2026

Logo

મલ્લિકાર્જુન ખડગેના બચાવમાં કોંગ્રેસ મેદાને! વાયરલ નિવેદન પર પવન ખેડાએ આપ્યું સ્પષ્ટીકરણ...

2026-10-26 08:22:15
Author: Vimal Prajapati
મલ્લિકાર્જુન ખડગેના બચાવમાં કોંગ્રેસ મેદાને! વાયરલ નિવેદન પર પવન ખેડાએ આપ્યું સ્પષ્ટીકરણ...

નવી દિલ્હીઃ દેશમાં અત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેનદના કારણે વિવાદ સર્જાયો છે. પીએમ મોદીના પિતાને લઈને આવેલા વિવાદિત નિવેદનના કારણે ભાજપે કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે પટનામાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, એટલું જ નહીં પરંતુ ભાજપ દ્વારા આજે કોંગ્રેસ સામે દેશવ્યાપી આંદોલનની પણ જાહેરાત કરી છે. તેવામાં હવે કોંગ્રેસ નેતા પક્ષના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડાએ એક નિવેદન આપીને ખડગેનો બચાવ કર્યો છે. 

કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેનો બચાવ કર્યો

કોંગ્રેસ પક્ષે મલ્લિકાર્જુન ખડગેના "મોદી તો શું, મોદીનો બાપ પણ જશે" વાળા નિવેદનનો બચાવ કર્યો છે અને ભાજપની પ્રતિક્રિયાને રાજકીય બદલાની ભાવના ગણાવી છે. પક્ષના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડાએ તેમનો બચાવ કરતા કહ્યું કે, ખડગેનો ઈશારો આરએસએસ (RSS) તરફ હતો. ખેડાએ ટિપ્પણી કરી કે ભાજપ સતત નવા કાવતરાં ઘડતું રહે છે. કોંગ્રેસનું કહેવું છે કે, ખડગે દ્વારા આપવામાં આવેલું નિવેદન આરએસએસ માટે હતું. 

મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર પવન ખેડાનું સ્પષ્ટીકરણ

પવન ખેડાએ વધુમાં કહ્યું કે, થોડા દિવસો પહેલા ખડગેના એક ભાષણ બાદ, 'શુદ્ધિકરણ' જેવું એક નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું હતું. રવિવારે, બિહારમાં એક ભાષણ દરમિયાન, ભાજપના એક કાર્યકરે ખડગેના પિતાનું અપમાન કરતા કહ્યું હતું કે, "જો તમારા પિતા પણ આવે, તો પણ મોદી નહીં જાય." તેના જવાબમાં, ખડગેએ મોદીના વૈચારિક માર્ગદર્શક એવા આરએસએસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, માત્ર મોદી જ નહીં જાય, પરંતુ આરએસએસ પણ જતું રહેશે.

જો કે, શેર કરવામાં આવેલા વીડિયોમાં આરએસએસ અંગે કોઈ ઉલ્લેખ નથી. જેના કારણે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યાં છે. ભાજપે કોંગ્રેસના દાવાઓને પોકળ ગણાવ્યાં અને ખડગે સહિત કોંગ્રેસ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.