- પ્રફુલ શાહ
ભારતમાં એક એવી ખીણ આવેલી છે, જે જાણે પૃથ્વીના પેટાળમાં કોઈ અલગ જ દુનિયા વસતી હોય એવું લાગે. ઊંચા પર્વતો, ગાઢ જંગલો, ઊંડી ખીણો અને સદીઓથી પોતાની પરંપરાઓ સાચવીને જીવતા અહિના આદિવાસી સમુદાયો તેને વધુ વિશિષ્ટ બનાવે છે.
આ જગ્યા છે પાતાળકોટ. એના નામનો અર્થ બધું કહી દે છે. ‘પાતાળ’ એટલે પૃથ્વીનું નીચલું કે અધોલોક સમાન જગત; ‘કોટ’નો અર્થ સંદર્ભ પ્રમાણે ગઢ કે સુરક્ષિત વિસ્તાર થઈ શકે છે. પાતાળકોટ મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં, તામિયા વિસ્તાર પાસે છે. તેની ઊંડી ખીણ અને ચારે તરફ ઊંચા પહાડો હોવાને કારણે ઉપરથી જોતા અહીંનાં વસવાટનાં સ્થળો જાણે ધરતીની અંદર છુપાયેલાં લાગે છે.
અદ્ભુત અને રહસ્યમય ખીણ પાતાળકોટ
સતપુડા પર્વતમાળાની વચ્ચે આવેલી છે અને તેની ઊંડાઈ જમીનથી લગભગ 3,000 ફૂટ નીચે છે. આથી અહીં સૂર્યના કિરણો પણ ખૂબ મોડા પહોંચે છે અથવા સીધા તળિયે નથી પડતા.
હકીકતમાં પાતાળકોટ કોઈ ભૂગર્ભ ગુફાનગરી નથી. તે જમીનના સ્તરથી ઘણી નીચે આવેલી કુદરતી ખીણ છે. તેની ઊંડી ભૌગોલિક રચના અને આસપાસના ઊંચા પહાડોને કારણે તેણે ‘પાતાળમાં વસેલું જગત’ જેવી ઉપમા પામી છે.
પાતાળકોટ અનેક વિશિષ્ટતા ધરાવે છે. અમુક સ્થાનિક લોકો પેઢી દર પેઢી જંગલી વનસ્પતિઓ અને પરંપરાગત ઔષધીય ઉપયોગોનું જ્ઞાન જાળવી રહ્યા છે. આ જ્ઞાનનું દસ્તાવેજીકરણ અને વૈજ્ઞાનિક ચકાસણી બંને મહત્ત્વનાં છે.
પહેલી નજરે દેખાય છે ઊંડી ખીણ, ઢોળાવવાળા પહાડો, જંગલો અને નાના આદિવાસી વસવાટો. પ્રજા શું કરે?
જીવનનિર્વાહમાં ખેતી, વનસંપત્તિ અને સ્થાનિક પરંપરાઓ સાથે જોડાયેલું જીવન.
અહિની આદિવાસી સંસ્કૃતિ, જૈવવિવિધતા અને પરંપરાગત જ્ઞાનના અભ્યાસ માટે વિશિષ્ટ વિસ્તાર છે.
ખરેખર, અહિયાં આદિવાસી સંસ્કૃતિનું અનોખું વિશ્વ છે. અહીં ભારિયા અને ગોંડ સહિતના આદિવાસી સમુદાયો વસે છે. તેમની જીવનશૈલી, લોકપરંપરાઓ, સ્થાનિક જ્ઞાન અને પ્રકૃતિ સાથેનો સંબંધ જ પાતાળકોટની આગવી ઓળખ છે.
ભૌગોલિક સ્થિતિને કારણે પાતાળકોટ બહારની દુનિયાથી બહુ લાંબા સમયથી દૂર છે. દુર્ગમ ભૂપૃષ્ઠને કારણે ખીણના કેટલાક વસવાટો ઘણા સમય સુધી બહારની દુનિયા સાથે મર્યાદિત સંપર્ક ધરાવતા રહ્યા. જોકે, હવે રસ્તા, પ્રવાસન અને આધુનિક સુવિધાઓના વિકાસને કારણે આ સ્થિતિ બદલાઈ રહી છે.
આ સ્થળ વિશે જાણીને આપણને ત્યાં ઉપડી જવાનું મન થયા વગર ન રહે. તો કેવી રીતે જવું? એ છિંદવાડા જિલ્લાના મુખ્ય મથકથી આ લગભગ 78 કિમી દૂર છે. પાતાળકોટ મધ્ય પ્રદેશના મુખ્ય શહેરો સાથે રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે. નાગપુર, જબલપુર કે ભોપાલથી કાર કે બસથી સરળતાથી છિંદવાડા થઈને તામિયા પહોંચી શકો છો. તામિયાથી પાતાળકોટ ખીણ માત્ર 20-25 કિમીના અંતરે જ છે. સૌથી નજીકના એરપોર્ટ નાગપુર (લગભગ 180 કિમી) અથવા જબલપુર (લગભગ 200 કિમી) છે. ત્યાંથી તમે ટેક્સી કે બસમાં તામિયા/પાતાળકોટ પહોંચી જવાય. રેલ માર્ગ પર સૌથી નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન છિંદવાડા (આશરે 78 કિમી દૂર) છે. આ સિવાય પીપરિયા રેલ્વે સ્ટેશન પણ નજીક પડે છે, જે પંચમઢી જતા રસ્તા પર છે.
આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકિંગ માટે લોકપ્રિય છે. પણ ક્યારે જવું હિતાવહ ગણાય? મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એટલે ચોમાસું (જુલાઈથી સપ્ટેમ્બર). જો પ્રકૃતિનું અસલી સૌંદર્ય જોવું હોય, તો ચોમાસાની ઋતુ સર્વશ્રેષ્ઠ છે. આ સમયે આખી ખીણ લીલીછમ ચાદર ઓઢી લે છે અને અસંખ્ય નાના-મોટા ઝરણાં વહેતા જોવા મળે છે. ટ્રેકિંગ અને સાહસિક પ્રવૃત્તિઓ માટે શિયાળો (ઓક્ટોબરથી ફેબ્રુઆરી) અનુકૂળ છે. આ દિવસોમાં વાતાવરણ ખૂબ જ ખુશનુમા અને ઠંડકવાળું હોય છે. પણ ઉનાળામાં (માર્ચથી જૂન) પાતાળકોટ જવાનું ટાળવું કારણ કે તાપમાન ખૂબ વધી જાય છે અને ખીણની અંદર ભારે ગરમી લાગે છે.
દુર્ગમ ખીણમાં માનવ વસવાટનો ઇતિહાસ, ભારિયા આદિવાસીઓનું પરંપરાગત વનજ્ઞાન અને આધુનિકતા વચ્ચે ટકી રહેલી સામૂહિક જીવનશૈલી આકર્ષિત કરે જ. પણ ખીણની અંદર ઉતરવા માટે સ્થાનિક ગાઈડ અનિવાર્ય ગણાય કારણ કે રસ્તાઓ ખૂબ ઊંડા અને ગીચ જંગલોવાળા છે. એક મહત્ત્વની જેને તમે આશીર્વાદ કે અભિશાપ ગણી શકો: ખીણમાં નેટવર્ક બહુ ઓછું મળે છે.