Thu Nov 19 2026

Logo

પાર્થ ભુતની આઠ વિકેટ, સૌરાષ્ટ્ર એક દાવથી જીત્યુંઃ બરોડા અને ગુજરાતની મૅચ ડ્રૉ

2026-10-29 21:26:00
Author: Ajay Motiwala
પાર્થ ભુતની આઠ વિકેટ, સૌરાષ્ટ્ર એક દાવથી જીત્યુંઃ બરોડા અને ગુજરાતની મૅચ ડ્રૉ

PTI


રાજકોટઃ રણજી ટ્રોફી (Ranji trophy)માં ચાર દિવસીય મૅચમાં ગુરુવારના ચોથા દિવસે સૌરાષ્ટ્રને આસામ સામે એક દાવથી જીતીને સાત પૉઇન્ટ મેળવવામાં સફળતા મળી હતી અને એ સફળતા ખાસ કરીને લેફ્ટ-આર્મ સ્પિનર પાર્થ ભુત (18-10-17-8)ને લીધે મળી હતી. પહેલા દાવની બે વિકેટ ગણતાં તેણે મૅચમાં કુલ 10 વિકેટ મેળવી હતી. સૌરાષ્ટ્રની ટીમમાંથી લેફ્ટ-આર્મ સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાની બાદબાકી થઈ, પરંતુ રવીન્દ્ર જાડેજાને પાર્થ ભુત (Parth Bhut)ના રૂપમાં અસરદાર સાથી-સ્પિનર મળ્યો છે.

ખુદ જાડેજાએ ગુરુવારની બે વિકેટ સહિત મૅચમાં કુલ ચાર વિકેટ મેળવીને જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં 106 રનની સરસાઈ લીધી ત્યાર પછી બીજા દાવમાં આસામને બીજી ઇનિંગ્સમાં 94 રનમાં આઉટ કરીને એક દાવ તથા 12 રનથી વિજય મેળવ્યો હતો.


વડોદરામાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન જમ્મુ-કાશ્મીરે બરોડાની ટીમને જીતવા નહોતી દીધી અને મૅચ ડ્રૉમાં પરિણમી હતી. બરોડાએ પ્રિયાંશુ સુરેશભાઈ મોલિયાની પ્રથમ દાવની ટ્રિપલ સેન્ચુરી (321 અણનમ)ના જોરે 616 રન બનાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરે 303 રન બનાવ્યા હતા. ફૉલો-ઑન બાદ જમ્મુ-કાશ્મીરની ટીમે અબ્દુલ સામદના સાત છગ્ગા અને 16 ચોગ્ગાની મદદથી બનેલા 143 રન તેમ જ સાહિલ લૉટ્રાના અણનમ 96 રનની મદદથી છ વિકેટે 316 રન બનાવ્યા હતા અને રમતના અંત સુધી ઑલઆઉટ ન થતાં છેવટે મૅચ ડ્રૉ જાહેર કરી હતી.

પુણેમાં ગુજરાતને મહારાષ્ટ્ર સામે જીતવા નહોતું મળ્યું. ડ્રૉ જાહેર કરવામાં આવેલી આ મૅચમાં મહારાષ્ટ્રને જીતવા 340 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને મૅચને અંતે એનો સ્કોર ચાર વિકેટે 141 રન હતો. ગુજરાતે બીજા દાવમાં આર્ય દેસાઈના 151 રન, જયમીત પટેલના અણનમ 119 રન અને વિકેટકીપર ઉર્વિલ પટેલના 96 રનની મદદથી 446/5ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. ઉર્વિલ ચાર રન માટે ત્રીજી ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરી ચૂકી ગયો હતો.