કાયદો અને વ્યવસ્થા મુદ્દે ભાજપ અને મનસે આવ્યા આમને સામને
મુંબઈ: અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટના બાદ મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થાને લઈને રાજકીય પારો ગરમાયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં ભાજપના વિધાન પરિષદના સભ્ય પરિણય ફુકેએ રાજ ઠાકરે પર નિશાન સાધતાં કહ્યું કે જો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા તેમને આપવામાં આવેલી પોલીસ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવે તો તેઓ ઘરની બહાર પણ નીકળી નહીં શકે.
પરિણય ફુકેએ આરોપ લગાવ્યો હતો કે રાજ ઠાકરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પોલીસ સુરક્ષાને કારણે જ આટલાં આક્રમક નિવેદન આપી રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે રાજ ઠાકરે પાસે કોઈ બંધારણીય પદ નહીં હોવા છતાં તેમને આટલી પોલીસ સુરક્ષા શા માટે આપવામાં આવી રહી છે. અને તેમણે સીધો પડકાર ફેકતા જણાવ્યું કે જો આ સુરક્ષા વ્યવસ્થા ન હોય તો રાજ ઠાકરે પણ સુરક્ષિત નહીં રહે.
રાજ ઠાકરેએ અગાઉ મહારાષ્ટ્રમાં કાયદો છે, પરંતુ વ્યવસ્થા નથી તેવી ટિપ્પણી કરીને સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લોરેન્સ બિશ્નોઈ ગેંગની કથિત પ્રવૃત્તિઓ અને રાજ્યમાં સુરક્ષાની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટના સહિતના મુદ્દાઓને લઈને સરકાર પર સવાલો ઊઠતાં ભાજપના નેતાઓ તરફથી પણ હવે તીખી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
ફુકેના નિવેદન સામે મનસેના નેતા સંદીપ દેશપાંડેએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ ઠાકરેને આપવામાં આવેલી સુરક્ષાનો નિર્ણય દેવેન્દ્ર ફડણવીસે વ્યક્તિગત રીતે નહીં, પરંતુ રાજ્યના ગૃહ પ્રધાન તરીકે લીધો હતો. દેશપાંડેએ પડકાર ફેંકતાં કહ્યું કે જો સરકાર ઇચ્છે તો રાજ ઠાકરેની સુરક્ષા પાછી ખેંચી શકે છે, પરંતુ તેઓ તેમની પાર્ટી પોતાના વિચારો અને નિવેદનો રજૂ કરવાનું બંધ નહીં કરે.
દેશપાંડેએ વધુમાં દિલ્હીમાં એક હજાર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન માટે 45 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવાના મુદ્દાનો ઉલ્લેખ કરીને ભાજપને મનસેને ઉપદેશ ન આપવાની ટકોર કરી હતી. આ નિવેદનબાજીથી રાજ્યમાં કાયદો-વ્યવસ્થા અને રાજકીય નેતાઓને આપવામાં આવતી સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. હાલ આ મામલે ભાજપ અને મનસે વચ્ચે આરોપ-પ્રતિઆરોપનો સિલસિલો ચાલુ છે.