નવી મુંબઈ: નવી મુંબઈના સીબીડિ બેલાપુર સ્થિત પારસિક હિલ પર 17 વર્ષીય કિશોરની કાર લગભગ 70 ફૂટ નીચે બેલાપુર-ઉરણ રેલવે ટ્રેક પર ખાબકવાની ઘટનાના પગલે રેલવે પ્રશાસને હવે સુરક્ષાનાં પગલાં લીધાં છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે હિલટોપ પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. બેલાપુર પોલીસની ભલામણ બાદ રેલવે દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, પારસિક હિલનો આ વિસ્તાર યુવાનો અને કપલ્સમાં લોકપ્રિય છે. અહીં અનેક લોકો હિલટોપ પર બેસવા અને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવા આવે છે. ઊંચાઈની નજીક બેસવા કે ફરવાથી અકસ્માતનું જોખમ રહેતું હોવાથી આ વિસ્તાર સુધીની અવરજવર નિયંત્રિત કરવા બેરિકેડ્સ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી મુંબઈ મહાનગરપાલિકાએ પણ અગાઉ બેરિકેડ્સ લગાવવાની તૈયારી કરી હતી, પરંતુ રેલવે પ્રશાસને આ વિસ્તાર પોતાના અધિકારક્ષેત્રમાં આવતો હોવાનું જણાવી કામગીરી હાથ ધરી હતી.
આ ઘટના 24 સપ્ટેમ્બરે બની હતી. ધોરણ 12માં અભ્યાસ કરતો 17 વર્ષીય કિશોર હોન્ડા સિટી કાર ચલાવી રહ્યો હતો ત્યારે વળાંક લેતી વખતે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ઢોળાવ પરથી નીચે રેલવે ટ્રેક પર ખાબકી હતી. કાર ટ્રેક પર પડતાં બેલાપુર-ઉરણ લોકલ ટ્રેન સેવા લગભગ અઢીથી ત્રણ કલાક સુધી ખોરવાઈ હતી. સદનસીબે કાર બંને રેલવે લાઈનની વચ્ચે પડી હતી અને ઓવરહેડ ઈલેક્ટ્રિક વાયર સાથે અથડાઈ નહોતી.
અકસ્માત બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કિશોરે આશરે ₹1.90 લાખમાં ખરીદેલી જૂની કાર માટે પોતાના 18 વર્ષીય મિત્ર પ્રણવ ગવ્હાણેના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. પોલીસે કાર ચલાવવાની કાયદેસર ઉંમર ન ધરાવતા કિશોરને કાર આપવા બદલ પ્રણવ સામે પણ કાર્યવાહી કરી છે. આ મામલે રેલવે અધિનિયમની કલમ 154 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પારસિક હિલ પર બેરિકેડ્સ લગાવવાથી જોખમી સ્થળ સુધી પહોંચવા પર નિયંત્રણ આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા પણ રેલવે પ્રશાસને વ્યક્ત કરી હતી
.