Sat Nov 07 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ પરબ...

2026-10-17 10:14:11
Author: Hemant Wala
સ્થાપત્યનું વાઈ-ફાઈઃ પરબ...

હેમંત વાળા

પરબ એટલે સામાજિક વ્યવસ્થા પ્રમાણે અસ્તિત્વમાં આવેલી સાર્વજનિક પીવાના પાણીનું સ્થાન, સામાજિક ઉત્તરદાયિત્વની નિભાવણી માટેની સાંસ્કૃતિક રચના, માનસિક તેમ જ શારીરિક અગત્યની જરૂરિયાત પૂરી પાડવાની સામાજિક વ્યવસ્થા અને સાત્ત્વિક ભાવથી જીવન માટે જરૂરી પાણીને બધા સુધી પહોંચાડવાની કટિબદ્ધતાનું વાસ્તવિક સ્વરૂપ. પરબ એ પરંપરાગત સનાતનની સંસ્કૃતિના મૂલ્યોનું જીવંત ઉદાહરણ છે. 

વટેમાર્ગુ અને પદયાત્રી માટે જરૂરિયાત પ્રમાણે પાણી પૂરી પાડવાની સામૂહિક ફરજ બજાવતી વ્યવસ્થા એટલે પરબ. અહીં શીતળ, સ્વચ્છ અને શક્ય હોય તો મીઠું પાણી વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા ઊભી કરાતી હોય છે. એમ કહી શકાય કે પરબ એ માત્ર સેવા નથી, પરંતુ જીવદયા અને પરોપકારનું જીવંત પ્રતિક છે. પરબ માનવની અંતરની કરુણાને જાગૃત કરતી ઘટના છે.

પરંપરાગત રીતે અહીં માટલાં, ઘડાં, કોઠી કે ગાગર જેવા પાત્ર રાખવામાં આવતાં, ક્યારેક ટાંકી પણ બનાવાતી. અહીં નિયમિત પાણીપુરવઠો જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવાતી. આ માટે કોઈ સંસ્થા, કુટુંબ કે વ્યક્તિ જાતે જવાબદારી લેતી અથવા તેમને જવાબદારી સોંપાતી. પાણીપુરવઠાની અને સ્વચ્છતાની જવાબદારી તેમની રહેતી. આ માટે સમગ્ર સમાજ કે સમાજનો એક ચોક્કસ વર્ગ આર્થિક જવાબદારી નિભાવતો. 

મોટાભાગના કિસ્સામાં અહીં હંગામી આરામની વ્યવસ્થા રખાતી. આજુબાજુ વૃક્ષ વાવી કુદરતી ઠંડક તેમ જ છાંયડો મળી રહે તેવી ગોઠવણ પણ કરાતી. પરબની રચના એ કાચું બાંધકામ પણ હોઈ શકે અને પાકું પણ. કાચા બાંધકામમાં લાકડાના ટેકા વડે ઉપર બહુ મજબૂત ન ગણી શકાય તેવી છત ટેકવી પથ્થરના ચોસલા પર છાંયડો મળી રહે તેવી જગ્યાએ માટલાં ગોઠવાતાં. પાકી રચનામાં ઈંટ, સિમેન્ટ, કોંક્રીટ વડે બાંધકામ થતું, જેમાં ક્યારેક પતરાનાં છાપરાં પણ ગોઠવાતાં.

કહેવાય છે કે પાણી એટલે જીવન અને જીવન એટલે પાણી. ઇતિહાસ સાક્ષી છે કે માનવીએ સંસ્કૃતિના પ્રારંભિક તબક્કામાં નદીના સ્રોત નજીક વસવાટ કરેલો. અહીં પીવાનું પાણી તો મળી જ રહે અને સાથે સાથે ખેતીવાડી, બાગ-બગીચા તેમ જ કેટલાંક વ્યાપારી કાર્યો માટે પણ પાણી સુલભ્ય રહે. જરૂરિયાત પ્રમાણે જેમ કુદરતી સ્રોતથી દૂર જવાની પરિસ્થિતિ ઊભી થઈ તેમ કૂવા, તળાવ, વાવ, કુંડ જેવી રચના અસ્તિત્વમાં આવી. 

કહેવાય છે કે એક કૂવો ખોદાવવાથી કે ખોદવાથી ઘણું પુણ્ય મળતું હોય છે. તેવી જ રીતે એમ પણ કહેવાય છે કે એક પરબ બાંધવી એ પણ એક ઊંચી કક્ષાનું પુણ્ય-કર્મ છે. પરબ એ પરોપકાર, પુણ્ય, સેવા, ધર્મ, માનવીય સંવેદનશીલતા, દયા તથા પવિત્રતા-સભર કાર્ય છે. કેટલાક સંજોગોમાં પિતૃ-સ્મરણ, વ્રત, માનતા અથવા પુણ્યાર્થે પણ પરબની સ્થાપના કરાતી હોય છે. વેદોમાં પાણી-આપ:-ને જીવનદાયી અને પવિત્ર તત્ત્વ માનવામાં આવ્યું છે:

જ્યારે એમ કહેવામાં આવે કે ‘અતિથિ દેવો ભવ’ ત્યારે, ઊંડાણમાં આ પરબનો ભાવ જ વ્યક્ત થતો જણાય છે. જેમ અતિથિનો સત્કાર જરૂરી છે તેમ વટેમાર્ગુને પાણી-દાન જરૂરી છે. જેમ અતિથિને સંતોષ આપવો જરૂરી છે તેમ પરબ થકી મુસાફરોને પણ સંતોષ આપવો જરૂરી છે. જેમ અતિથિની આવવાની તિથિ નક્કી ન હોય, આવવાનો સમય નક્કી ન હોય, તેવું જ પદયાત્રી માટે પણ કહી શકાય. 

ફેર એટલો કે અતિથિને ભોજનનો આગ્રહ પણ કરાતો હોય છે જ્યારે પરબ પાછળનો હેતુ પાણી માત્ર છે. અતિથિનો વિસામો લાંબો પણ હોઈ શકે જ્યારે પરબ પાસે પહોંચનાર વ્યક્તિ થોડા સમયમાં પ્રવાસ ફરીથી ચાલુ કરી દે. અતિથિએ યજમાનના ઘરે જવું પડે તો, પરબમાં એમ લાગે છે કે પાણી પ્રવાસી પાસે પહોંચાડવામાં આવે છે.

પરબથી સહકાર અને સમુદાયની ભાવના મજબૂત થઈ શકે, ધર્મ અને જાતિના ભેદભાવથી ઉપર ઊઠી શકાય, સામાજિક ઉત્તરદાયિત્વ વિષે નિષ્ઠા જાગ્રત થાય, સંપત્તિ અને સામર્થ્યનું દાન કરવાની ભાવના જાગે અને તે બધાં સાથે તરસ્યા વ્યક્તિનાં મનમાં સમગ્ર સમાજ માટે સકારાત્મક ભાવ જાગ્રત થાય. તેથી જ કહેવાય છે કે ‘પાણી પાવું મહાદાન છે’. એમ પણ સાંભળવા મળશે કે ‘તરસ્યાને પાણી, ભૂખ્યાને અન્ન’ કે ‘જ્યાં પાણી માટે રોકાય ત્યાં પુણ્ય વસે’. 

સનાતનની સંસ્કૃતિમાં એમ માનવામાં આવે છે કે ‘પરબે પીવડાવવામાં આવેલું પાણી કદી વ્યર્થ નથી જતું’. આ સંસ્કૃતિમાં એમ પણ કહેવાય છે કે ‘એક ઘડો પાણી એટલે એક હજાર આશીર્વાદ’. કહેવાય છે કે ‘અન્નદાનાત્ પરં દાનં, વિદ્યાદાનં તત: પરમ્; તૃષિતાય જલદાનં, સર્વદાનાત્ વિશિષ્ટમ્.’ એ સમજવું જરૂરી છે તરસ્યા માણસને પાણી આપવું સર્વ દાન કરતાં વિશેષ છે. એક દૃષ્ટિકોણ પ્રમાણે પરબ એ કર્મયોગનું સચોટ ઉદાહરણ છે; જ્યાં કોઈપણ પ્રકારની અપેક્ષા વગર શુદ્ધ નિયતિથી ધાર્મિક મનોભાવ સાથે, આત્માની ઉન્નતિ માટેનું કાર્ય કરાય છે.

આધુનિક સમયમાં પરબ માત્ર એક પરંપરા નહીં રહી પરંતુ તે સામાજિક જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ અને માનવ સેવાનું પ્રતીક બની છે. પરબનો મૂળ હેતુ આધુનિક સમયમાં પણ જળવાઈ રહ્યો છે, માત્ર તેનું સ્વરૂપ બદલાયું છે. વિવિધ સમાજ-સેવી તથા ધાર્મિક સંસ્થાઓ, વિવિધ સામાજિક મંડળો તથા ક્યારેક સરકાર દ્વારા પણ પરબ બનાવતી હોય છે. અહીં માટલાં-ઘડાં સાથે કુલર અને આરઓની વ્યવસ્થા પણ જોવાં મળે છે. 

સામાન્ય રીતે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હૉસ્પિટલ, શાળા, ધાર્મિક સ્થાન, આવન-જાવનના માર્ગ, મજૂરીના વિસ્તાર, બગીચા કે શોપિંગ મોલ પાસે આવી વ્યવસ્થા કરાતી હોય છે. હવે તો પરબ તરીકે મોબાઈલ-વાનનો ઉપયોગ પણ જોવા મળે છે. શહેરની ગરમીમાં ડિહાઇડ્રેશનનાં પ્રશ્ન માટે આ એક આવકારદાયક ચેષ્ટા છે. ઘણાં સ્થાને તો પરબ માત્ર પશુ-પક્ષીઓ માટે પણ બનાવાય છે. આ બધા કિસ્સામાં પાણીની ગુણવત્તા જાળવી રાખવી ક્યારેક મુશ્કેલ બની જતી હોય છે.