Thu Sep 17 2026

Logo

પાલઘરમાં ધરતીકંપના ઉપરાઉપરી બે આંચકા: કોઈ જખમી નહીં

2026-08-11 18:20:07
Author: Sapna Desai
પાલઘરમાં ધરતીકંપના ઉપરાઉપરી બે આંચકા: કોઈ જખમી નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પાલઘર જિલ્લામાં છેલ્લા અનેક દિવસોથી ધરતીકંપના આંચકા આવવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે, તેથી નાગરિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.  પાલઘર જિલ્લામાં સોમવારે મોડી સાંજે એક કલાકના ગાળામાં ૩.૪ની તીવ્રતાના બે ધરતીકંપ આવ્યા હતા. કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નહોતું.

અધિકારીના જણાવ્યા મુજબ સોમવારે રાત્રે ૧૦.૦૪ વાગ્યે પહેલો ધરતીકંપનો આંચકો નોંધાયો હતો, ત્યારબાદ રાત્રે ૧૧ વાગ્યે તે જ તીવ્રતાનો બીજો ધરતીકંપ આવ્યો હતો. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે, જવાહર તાલુકામાં પાંચ કિ.મી.ની ઊંડાઈએ ધરતીકંપની ગતિવિધિ થઈ હતી. ધરતીકંપના ઉપરાઉપરી બે આંચકાથી  રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ હતી, પરંતુ જિલ્લામાં કોઈ જાનહાનિ કે માળખાકીય નુકસાન થયું નહોતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પરિસ્થિતિ પર  નજીકથી નજર રાખી રહી છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા પાલઘરમાં વર્ષોથી ઓછી તીવ્રતાના ધરતીકંપના આંચકા અનુભવાયા છે. અધિકારીઓએ લોકોને શાંત રહેવા અને સુરક્ષાના નિયમોનું  પાલન કરવાની અપીલ કરી છે. ગયા મહિને મુંબઈથી લગભગ ૧૦૦ કિમી દૂર આવેલા જિલ્લામાં ત્રણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા.