Mon Nov 16 2026

Logo

નાદાર પાકિસ્તાનને મળી 'સંજીવની': IMF અને વર્લ્ડ બેંકમાં પાકિસ્તાન બન્યું 'ચેરમેન'

New York   2026-10-16 19:25:00
Author: Mumbai Samachar Team
નાદાર પાકિસ્તાનને મળી 'સંજીવની': IMF અને વર્લ્ડ બેંકમાં પાકિસ્તાન બન્યું 'ચેરમેન'

ન્યૂયોર્કઃ વિદેશી દેવુ, સાઉદી અરેબિયા તરફથી મળતી મદદ અને અમેરિકાના ડૉલર પર જે દેશના અર્થતંત્રના શ્વાસ વેન્ટિલેટર પર ચાલી રહ્યા છે એવા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય મંચ પર એક મોટી જવાબદારી મળી રહી છે. પાકિસ્તાનને વર્ષ 2027 માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) તથા વિશ્વબેંક ગ્રૂપના બોર્ડના ગવર્નર્સના અધ્યક્ષ તરીકે નોમિનેટ કરાયો છે. પાકિસ્તાનના આર્થિક મામલાના વિભાગે આ અંગેની જાણકારી આપી છે. 

પહેલીવાર મોટી જવાબદારી

આ મુદ્દા પર પાકિસ્તાનની વાપસી 1953 બાદ પહેલીવાર થઈ રહી છે. સૌથી મોટી અને રસપ્રદ વાત એ છે કે, જે IMF પાસેથી પાકિસ્તાન અત્યાર સુધી પૈસા ઉછીના લઈ પોતાની અર્થવ્યવસ્થા સંભાળી રહ્યો હતો, ડૉલરમાં લોન લઈ રહ્યો હતો હવે એ જ દેશ સંસ્થાના બોર્ડ ઓફ ગવર્નર્સની અધ્યક્ષતા કરવા બેસી જશે. 

પાકિસ્તાનના આર્થિક બાબતોના મંત્રી એવા અહદ ખાન ચીમાએ બેંકોકમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. IMG-વિશ્વબેંકની વાર્ષિક બેઠકની સત્રની પૂર્ણાહૂતી પર ઔપચારિક રૂપે આગામી અધ્યક્ષ તરીકે જાહેર કરી દેવાયો છે. ચીમાએ જ વિશ્વબેંકમાં પાકિસ્તાનના ગવર્નર્સ તરીકેની જવાબદારી સંભાળી છે. પાકિસ્તાન સરકાર આને એક ઐતિહાસિક અને અસાધારણ સિદ્ધિ ગણાવે છે. આર્થિક વિભાગના એક મંત્રાલય અનુસાર પાકિસ્તાનને હવે અર્થવ્યવસ્થા તથા વિકાસ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓની ચર્ચામાં પોતાનું યોગદાન આપવાનો ચાન્સ મળી રહેશે. 

આર્થિક સુધારાને સમર્થન

આ સાથે અન્ય સભ્યદેશ વચ્ચે રચનાત્મક સંવાદને વેગ આપવાનો પણ મોકો મળી રહેશે. હવે મુદ્દો એ ચર્ચામાં છે કે, જે દેશ ખુદ લોન પર રોલિંગ કરી રહ્યો છે એને જ તિજોરીની જવાબદારી આપી દેવામાં આવી હોય એવો આ ઘાટ છે. પાકિસ્તાનને આ જવાબદારી એવા સમયે મળી રહી છે જ્યારે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખખડી રહી છે. પોતાની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા માટે પણ તે લોનના સહારે છે. 

આ દેશ IMFના 7 અબજ ડોલરના 'એક્સ્ટેન્ડેડ ફંડ ફેસિલિટી' (EFF) કાર્યક્રમ હેઠળ લોન લઈ રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનની 'બેલેન્સ ઓફ પેમેન્ટ' (ચુકવણી સંતુલન) સંબંધિત જરૂરિયાતોને પૂરી કરવાનો અને આર્થિક સુધારાઓને સમર્થન આપવાનો છે. સરળ શબ્દોમાં કહીએ તો, પાકિસ્તાનને તેની વિદેશી ચૂકવણીની જવાબદારીઓ અને વિદેશી મુદ્રાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે IMFની સહાયની જરૂરિયાત છે. 
આ ઉપરાંત, પાકિસ્તાનને 1.4 અબજ ડોલરની 'રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી' (RSF) હેઠળ પણ આર્થિક સહાય મળી રહી છે. આ કાર્યક્રમ આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલા જોખમોનો સામનો કરવા અને લાંબા ગાળે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

15000થી વધુ લોકો જોડાયા

બંને લોન કાર્યક્રમોની તાજેતરની સમીક્ષા અંગે IMFના પ્રતિનિધિઓ અને પાકિસ્તાની સત્તાવાળાઓ વચ્ચે થયેલા કરાર બાદ પાકિસ્તાનને વધારાના 1.2 અબજ ડોલર મળવાની અપેક્ષા છે. જોકે, આ માટે IMFના એક્ઝિક્યુટિવ બોર્ડની મંજૂરી મળવી જરૂરી છે. 
લોન લેનારથી લઈને વૈશ્વિક આર્થિક ચર્ચાઓનું નેતૃત્વ કરવા સુધી આ વાત ચર્ચાય રહી છે.  12થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી IMF-વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકોમાં 191 દેશોના 15,000થી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા છે. આ બેઠકોમાં વૈશ્વિક અર્થતંત્ર, વિકાસ અને નાણાકીય સ્થિરતા અંગે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. પડદા પાછળ અમેરિકા મોટો ભાઈ બનીને પાકિસ્તાનને ભલે પ્રમોટ કરે પણ ભવિષ્યમાં આતંકવાદને પોષવામાં થાપ ખાશે અને દુનિયાને મોટી આગમાં હોમશે એટલું નિશ્ચિત છે. ઉપરવાલા યાને અમેરિકા મહેરબાન હોવાથી પાકિસ્તાનને પોષી રહ્યું છે પણ આ જ પાકિસ્તાનનો યૂઝ એન્ડ થ્રોના માફક ઉપયોગ કરે તો નવાઈ નહીં.